Sion-Panvel highway પર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

નવી મુંબઈ: સાયન-પનવેલ હાઈ-વે પર અનેક જગ્યાઓએ પડેલા ખાડાઓને કારણે કારચાલકો તેમ જ બાઇકસવારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને આ ખાડાઓને કારણે અકસ્માતનો ભય ઊભો થયો છે.
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વરસાદનું જોર વધી રહ્યું છે. જો કે થોડા દિવસના વરસાદમાં પણ રસ્તાઓ પર ખાડાઓ પડવા લાગ્યા છે. વાશી, સાનપાડા, તુર્ભે, નેરુળ, ઉરણ ફાટા, બેલાપુરથી નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંથી પસાર થતા હાઈવે પર ઓછા-વત્તા પ્રમાણમાં ખાડાઓ છે. ચોમાસા દરમિયાન આ ખાડાઓને કારણે અકસ્માત થવાની સંભાવના હોવાથી સંબંધિત સંસ્થાઓએ યોગ્ય તકેદારી લેવી જરૂરી છે.
આ પણ વાંચો: Mumbai Ahmedabad Highwayનું કામ ‘ખરાબ’: આંદોલન કરીને સ્થાનિકોએ ભર્યું આ પગલું
જોકે જાહેર બાંધકામ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા ખાડાઓની જવાબદારી પાલિકાની નહીં પરંતુ જાહેર બાંધકામ વિભાગની હોવાથી પાલિકા જાહેર બાંધકામ વિભાગ સામે આંગળી ચીંધી રહી છે. આથી જાહેર બાંધકામ વિભાગ આ બાબતે યોગ્ય તકેદારી રાખે તેવી માંગ શહેરીજનો અને વાહનચાલકો કરી રહ્યા છે.
જાહેર બાંધકામ વિભાગના એક્ઝીક્યુટીવ ઇંજિનિયર કલ્યાણી ગુપ્તાએ જણાવ્યું હતું કે સાયન-પનવેલ હાઈવે પરના ખાડા તાત્કાલિક પૂરવા આદેશ આપવામાં આવ્યો છે. વરસાદ બંધ થવાની સાથે જ ખાડાઓ પુરી દેવામાં આવશે.