આમચી મુંબઈ

પેન્ટમાં પી-પી કરી એમાં ટાબરિયાનો જીવ લીધો માતાના પ્રેમીએ

મુંબઈ: રમતાં રમતાં પેન્ટમાં પી-પી કરી દેનારા ચાર વર્ષના બાળકની તેની માતાના પ્રેમીએ મારપીટ કરતાં તેનું મૃત્યુ થયું હોવાની ઘટના કુર્લા વિસ્તારમાં બની હતી. માતાએ આ પ્રકરણે નેહરુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પ્રેમીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

નેહરુનગર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રિતેશકુમાર અજય ચંદ્રવંશી (19) તરીકે થઇ હોઇ કોર્ટે તેને પોલીસ કસ્ટડી ફટકારી હતી.

આ પણ વાંચો: સ્માર્ટફોને 15 વર્ષની સગીરાનો જીવ લીધો! ફોનનો ઉપયોગ ઓછો કરવાનું કહેતા જીવન ટુંકાવ્યું

પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી મહિલાના લગ્ન 2016માં થયાં હતાં અને લગ્ન બાદ તેણે બે સંતાનને જન્મ આપ્યો હતો. 2023માં મહિલા ફરવા માટે પટના ગઇ હતી ત્યારે તેની ઓળખ રિતેશ ચંદ્રવંશી સાથે થઇ હતી. બંને જણ એકબીજા સાથે ફોન પર વાતચીત કરવા લાગ્યાં હતાં અને બાદમાં તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

દરમિયાન મહિલાનો તેના પતિ સાથે વિવાદ થતાં તે સંતાનો સાથે રિતેશના ઘરે રહેવા જતી રહી હતી. તેઓ જુલાઇ, 2024માં મુંબઈ આવ્યા હતા અને કુર્લા પૂર્વમાં ચાલમાં ભાડાના ઘરમાં રહેવા લાગ્યા હતા. શનિવારે મહિલા બપોરે કામેથી ઘરે આવતાં તેનો ચાર વર્ષનો પુત્ર સૂઇ રહ્યો હતો. પુત્રને જગાડતાં તે રડવા લાગ્યો હતો. આથી મહિલાએ પૂછપરછ કરતાં પુત્રએ જણાવ્યું હતું કે બપોરે રમતી વખતે પેન્ટમાં તેનાથી પી-પી થઇ ગઇ હતી. આથી તે ઘરે આવ્યો ત્યારે રિતેશ સૂતો હતો. તેણે પેન્ટમાં પી-પી થઇ હોવાનું જણાવતાં રિતેશે તેની મારપીટ કરી હતી. મહિલાએ રિતેશને આ વિશે પૂછતાં તે કાંઇ પણ કહ્યા વિના બહાર નીકળી ગયો હતો.

આ પણ વાંચો: વ્યાજખોરોએ ફરી એક જીવ લીધોઃ જૂનાગઢમાં વ્યાજ ભર્યું હોવા છતાં હત્યા કરાયાનો આક્ષેપ

દરમિયાન પુત્રને રાતે પેટમાં દુખાવો થવા સાથે ઊલટી થતાં તેને ડોક્ટર પાસે લઇ જવાયો હતો. ડોક્ટરો તપાસીને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું હતું. તેને સાયન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને સારવાર દરમિયાન રવિવારે તેનું મૃત્યુ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button