આમચી મુંબઈ

કલ્યાણમાં ગર્ભપાત કરાવવા સાસુએ પુત્રવધૂના પેટ પર પાટુ મારી

થાણે: વારંવારની સૂચના છતાં ગર્ભપાત ન કરાવનારી પુત્રવધૂના પેટ પર સાસુ-દેરાણીએ પાટુ મારી હોવાની આંચકાજનક ઘટના કલ્યાણમાં બની હતી. મહિલાની ફરિયાદને આધારે પોલીસે સાસરિયાં સહિત આઠ જણ સામે ગુનો નોંધ્યો હતો.
કલ્યાણ પૂર્વમાં તીસગાંવ સ્થિત સાંઈદર્શન સોસાયટીમાં માતા સાથે રહેતી રેખા લોકરે (33)એ સોમવારે રાતે નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. રેખાની ફરિયાદને આધારે કોલસેવાડી પોલીસે નવી મુંબઈમાં રહેતાં તેનાં સાસરિયાં અને અન્યો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર રેખા ગર્ભવતી છે અને સાસરિયાં ગર્ભપાત કરાવવા તેના પર દબાણ કરી રહ્યાં હતાં. કંટાળીને રેખા કલ્યાણમાં તેની માતાના ઘરે રહેવા ગઈ હતી. સોમવારે રાતે સાસુ સવિતા જાવીર, દેરાણી દીપાલ જાવીર, દિયર અને અન્ય આરોપીઓ રેખા સાથે વાતચીત કરવા તેના ઘરે આવ્યા હતા. રેખા ઘરે ન હોવાથી આરોપીઓે તેની રાહ જોતાં ઘરની બહાર ઊભા હતા.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સ્કૂટર પર આવી પહોંચેલી રેખા સાથે આરોપીઓએ વિવાદ કર્યો હતો. વારંવાર સૂચના આપવા છતાં ગર્ભપાત કેમ ન કરાવ્યો તે અંગે પૂછપરછ કરી હતી. રોષમાં આવી દિયરે રેખાને પકડી રાખી હતી, જ્યારે સાસુ અને દેરાણીએ ગર્ભપાત કરાવવાને ઇરાદે રેખાના પેટ પર લાતો મારી હતી. આ હુમલામાં રેખાના શરીરે નખના ઊઝરડા પણ પડ્યા હતા.

આરોપીઓની ચુંગાલમાંથી છટકી રેખા ઘરમાં દોડી ગઈ હતી. તેની પાછળ ઘરમાં પ્રવેશેલા આરોપીઓએ રેખાની માતા સાથે ગાળાગાળી કરી તેની પણ મારપીટ કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. પોલીસે તપાસ માટે ત્રણ જણને તાબામાં લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button