મહિલા અને ચાર સંતાનની કરપીણ હત્યાના કેસમાં 31 વર્ષ બાદ ત્રણ આરોપી નિર્દોષ

થાણે: મીરા રોડના ઘરમાં માતા અને ચાર સંતાનની નિર્દયતાથી હત્યા કરવાના કેસમાં 31 વર્ષ બાદ થાણે સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને દોષમુક્ત કર્યા હતા. એડિશનલ સેશન્સ જજ વી. જી. મોહિતેએ આરોપીઓને ગુનામાં સંડોવતા સાંયોગિક પુરાવાની કડી જોડવામાં તપાસકર્તા પક્ષ નિષ્ફળ ગયો હોવાની નોંધ કરી હતી. કોર્ટના આદેશની નકલ બુધવારે પ્રાપ્ત થઈ હતી.
કોર્ટના દસ્તાવેજો અનુસાર કાશીમીરાના પેન્કરપાડા વિસ્તારની મારવાડ ચાલમાંના ઘરમાંથી 16 નવેમ્બર, 1994ના રોજ રાજનારાયણ શિવચરણ પ્રજાપતિની પત્ની અને ચાર સંતાનના મૃતદેહ મળી આવ્યા હતા. પાંચેયની કરપીણ હત્યા કરાઈ હતી અને ઘરનો દરવાજો લૉક હતો.
આપણ વાંચો: સાસુની નિર્દયતાથી હત્યા કરી ફરાર થયેલી પુત્રવધૂ પરભણીમાં પકડાઈ
પ્રજાપતિની ફરિયાદને આધારે સાહબલાલ અમરનાથ ચૌહાણ (48), વિજય રામવૈદ્ય (53) અને સંજય રામવૈદ્ય (51) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પડોશમાં રહેતા આ ત્રણેયે જ હત્યા કરી હોવાનું ફરિયાદીનું કહેવું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે એક આરોપીના મોટા ભાઈએ ફરિયાદીની પત્નીનો વિનયભંગ કર્યો હતો, જેને પગલે તેમની વચ્ચે વિવાદ થયો હતો. આ મામલે સમાધાન થયું હતું, તેમ છતાં ફરિયાદીના પરિવાર પ્રત્યે આરોપીમાં રોષ હતો.
આ કેસમાં 1997માં કોર્ટમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. બચાવ પક્ષના વકીલ તરીકે એડ્વોકેટ દીપક ઠાકુર અને સાગર કોલ્હે કોર્ટમાં હાજર રહ્યા હતા.
આપણ વાંચો: દીકરીની હત્યા અને પત્નીને ગંભીર ઇજા પહોંચનારો બિહારમાં પકડાયો
તપાસકર્તા પક્ષ પાસે ગુનાનો સાક્ષી ન હોવાથી આખો કેસ સાંયોગિક પુરાવા પર આધારિત હતો. કોર્ટે જણાવ્યું હતું કે ઘટના બની તે સમયે આરોપીઓ ફરિયાદીના પડોશી હતા તે તપાસકર્તા પક્ષ પુરવાર કરી શક્યો નથી. એ સિવાય ગુનાનો હેતુ પણ સ્પષ્ટ નથી. ગુનામાં વપરાયેલું હથિયાર કે શંકાસ્પદ વસ્તુ જપ્ત કરાઈ નથી.
022થી 2023 દરમિયાન ધરપકડ કરાઈ ત્યારથી આરોપીઓ જેલમાં હતા. તેમની વિરુદ્ધ બીજો કોઈ કેસ ન હોવાથી તેમને છોડી મૂકવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. (પીટીઆઈ)