આમચી મુંબઈટોપ ન્યૂઝ

જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણી: ગયા વર્ષે આ તારીખે માંડ ૮.૫૯ ટકા હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા અનેક વર્ષોથી ચોમાસાના વિલંબને કારણે જળાશયોમાં પાણીની સપાટીમાં થતા ઘટાડાને કારણે મુંબઈગરા પાણીકાપનો સામનો કરતા આવ્યા છે. જોકે આ વર્ષે મુંબઈને રાહત મળી છે. જળાશયોના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણી જમા થઈ ગયું છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં માંડ ૮.૫૯ ટકા પાણી હતું.

આ વર્ષે ચોમાસાનું મે મહિનામાં જ આગમન થઈ ગયું હતું પણ જળાશયોના કેચમેન્ટ એરિયામાં નજીવા વરસાદને કારણે ૧૬ જૂનના રોજ સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને ૮.૬૪ ટકા પર આવી ગયો હતો અને આ પાણીનો સંગ્રહ માત્ર એક મહિનો ચાલો એટલો જ બાકી રહ્યો હતો. તેથી રાજ્ય સરકાર દ્વારા અપર વૈતરણામાંથી ફાળવવામાં આવેલા રિઝર્વ વોટર સ્ટોકનો ઉપયોગ કરવાનું પાલિકાએ ચાલુ કરી દીધું હતું. જોકે આ દરમ્યાન જ થાણે જિલ્લા અને નાશિક જિલ્લામાં આવેલા જળાશયોના કેચમેન્ટ એરિયામાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી અને રિઝર્વ સ્ટોક વાપરવાનું શરૂ કરવાના ચાર દિવસની અંદર જ જળાશયોમાં પાણીની સપાટીમાં મોટો વધારો થવાને કારણે પાલિકાએ રિઝર્વ સ્ટોક વાપરવાનું બંધ કરી દીધું હતું.

છેલ્લા ત્રણ અઠવાડિયામાં સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો ૮.૬૪ ટકાથી વધીને ૫૦ ટકાથી વધુ થઈ ગયો છે.
ગયા વર્ષે આ સમયે સાતેય જળાશયોમાં માત્ર ૧,૨૪,૩૪૩ મિલ્યન લિટર (૮.૫૯ ટકા) અને ૨૦૨૩ની સાલમાં ૨,૫૫,૬૨૨ મિલ્યન (૧૭.૬૬ ટકા) પાણી હતું. તેની સામે શુક્રવારે સવારનાં સાતેય જળાશયોમાં ૭,૩૪,૫૬૨ મિલ્યન લિટર (૫૦.૭૫ ટકા) પાણીનો જથ્થો હતો, જે છેલ્લા બે વર્ષનો સૌથી હાઈએસ્ટ કહેવાય છે.

જળાશયોના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદની પાણીનું સ્તર ૫૦ ટકાથી વધી જતા હાલ પૂરતી પાણીની ચિંતા થોડી હળવી થઈ છે પણ આગામી દિવસોમાં પણ કેચમેન્ટ એરિયામાં વરસાદ સતત પડતો રહે એ આવશ્યક હોવાનું પાણી પુરવઠાના અધિકારીઓનું કહેવું છે. સામાન્ય રીતે જુલાઈ મહિનામાં વરસાદનું જોર વધુ હોય છે અને ત્યારબાદ ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ પડતો હોય છે. તેથી આગામી દિવસોમાં વરસાદ સતત ચાલુ રહે તે આવશ્યક હોવાનો મત ઉચ્ચ અધિકારીએ વ્યક્ત કર્યો હતો.

મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે પહેલી ઑક્ટોબરના જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર પાણીનો જથ્થો હોવો આવશ્યક છે.

શુક્રવાર ચાર જુલાઈના સાતેય જળાશયોમાં કુલ પાણીનો જથ્થો (તમામ આંકડા મીટરમાં)જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણી:

જળાશયવર્તમાન સપાટીછલકાવવાની સપાટી
અપર વૈતરણા૬૦૧.૧૩૬૦૩.૫૧
મોડક સાગર૧૫૭.૨૨૧૬૩.૧૫
તાનસા૧૨૪.૩૬૧૨૮.૬૩
મિડલ વૈતરણા૨૭૦.૭૦૨૮૫.૦૦
ભાતસા૧૨૪.૩૦૧૪૨.૦૭
વિહાર૭૬.૯૩૮૦.૧૨
તુલસી૧૩૫.૦૪૧૩૯.૧૭

આ પણ વાંચો…નાગ પંચમી: જીવંત સાપ પૂજા સામે વાંધો, હાઈકોર્ટનો નિર્દેશ શું કહે છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button