ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા મુલુંડમાં 27,000થી વધુ વાહનચાલક દંડાયા
મુંબઈ: મુલુંડ ટ્રાફિક પોલીસ દ્વારા જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર 27,931 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની પાસેથી 22.98 લાખ રૂપિયાનો દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો છે. ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીથી વાહનચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને તેઓ નિયમોનું પાલન કરતાં જોવા મળી રહ્યા છે.
ટ્રાફિક પોલીસ દ્વારા ભાંડુપના એસ વોર્ડથી લઈને મુલુંડ ચેકનાકા સુધી જાળું ફેલાવીને વાહનોની ચેકિંગ કરવામાં આવી રહી છે. આ અંગે એક અધિકારીએ કહ્યું હતું કે મુલુંડના પરિસરમાં અનેક લોકો રસ્તા પર ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરે છે, જેને લીધે માર્ગમાં ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. આ સાથે સ્ટેશનના પરિસરમાં પણ અનેક રિક્ષા ચાલકો ઊભા હોય છે.
આપણ વાંચો: વડોદરામાં 450 ટ્રાફિક પોલીસકર્મીઓને મળ્યા એર-કન્ડિશન્ડ હેલ્મેટ, જાણો તેની વિશેષતા
મુલુંડ ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે પાર્ક કરેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને તે વાહનોને ટો કરી વાહન ચાલક પાસેથી દંડ વસૂલવામાં આવે છે. આ સાથે ખોટી રીતે વાહન ચલાવનાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, એવું વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારી અજિત સુલેએ કહ્યું હતું.
મુલુંડ ટ્રાફિક પોલીસ દ્વારા 60 પોલીસ સ્ટાફને શહેરના અનેક વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા છે. જાન્યુઆરી 2024માં 8,338 વાહનો સામે કાર્યવાહી કરી 13 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમ જ ફેબ્રુઆરીમાં 6,973 વાહનો સામે કાર્યવાહી કરી 13 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. માર્ચ મહિનામાં 10,620 સામે કાર્યવાહી કરી નવ લાખ રૂપિયા દંડ લેવામાં આવ્યો હતો.