ગણપતિ વિસર્જન: 23,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે તહેનાત

વિસર્જનના સ્થળોએ સીસીટીવી કેમેરા, ડ્રોનથી નજર રાખવામાં આવશે
મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (મંગળવારે) શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હોઇ આ માટે 23,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ વિસર્જનના સ્થળોએ સીસીટીવી કેમેરા અને ડ્રોનથી નજર રાખવામાં આવશે. લાલબાગ ચા રાજા માટે વિશેષ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
મહાનગરમાં ગણેશ વિસર્જન શાંતિથી પાર પડે એ માટે 40 ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી), 50 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) સહિત 2,900 પોલીસ અધિકારી અને 20,500 પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: અદભૂત અંદાજમાં ભાઇજાને કર્યું ગણેશ વિસર્જન
એ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ક્વિક રિસ્પોન્સ ટીમ, રાયટ્સ ક્ધટ્રોલ ફોર્સ તેમ જ હોમ ગાર્ડસની મદદ લેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિસર્જન નિમિત્તે વાહનવ્યવહારનું નિયમન કરવા માટે ટ્રાફિક પોલીસને પણ તહેનાત કરાઇ છે.
મુંબઇમાં વિસર્જનના સ્થળોએ વોચ ટાવરથી નજર રાખવામાં આવશે અને ગિરદીને સ્થળોએ મહિલા-બાળકોની સુરક્ષા માટે સાદાવેશમાં પોલીસ અધિકારી-કર્મચારીઓ તહેનાત રહેશે. ગિરદીના લોકોને સ્થળે પોલીસને સહકાર્ય કરવા, નધણિયાતી કે શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તાત્કાલિક પોલીસને તેની માહિતી આપવા અને મદદ માટે પોલીસ હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધવાનું પોલીસે જણાવ્યું છે.