મુંબઈમાં વાવાઝોડાની અસર : સાંજ બાદ જોશભેર વરસાદ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંધ્ર પ્રદેશ પર ત્રાટકેલા ‘મોન્થા’ વાવાઝોડા સહિત અરબી સમુદ્ર પરના ડિપ્રેશનની અસર મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વર્તાઈ રહી હોઈ આગામી દિવસ બે થી ત્રણ દિવસ હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ રહેવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
મુંબઈમાં હાલ દરરોજ સાંજ પડવાની સાથે જ વરસાદના મધ્યમથી ભારે ઝાપટા પડી રહ્યા છે. મંગળવારે પણ આખો દિવસ વાદળિયું વાતાવરણ રહ્યા બાદ સાંજના ૪.૩૦ વાગ્યા બાદ પવન ફૂંકવાની સાથે જ મુંબઈના મોટાભાગના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. સાંજના ઓફિસેથી છૂટીને ઘરે પાછા ફરી રહેલા મુંબઈગરાને વરસાદને કારણે ભીંજાવાની નોબત આવી હતી.
હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદની શક્યતા વચ્ચે ‘મોન્થા’ વાવાઝોડાની અસરને કારણે મુંબઈના દરિયા કિનારા પર પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ મહત્ત્વના બીચ પર જોખમ હોવાનું ચેતવણી આપતા લાલ વાવટા લગાવીને લાઈફગાર્ડને તહેનાત કરી દેવામાં આવ્યા છે.
હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ સુધી મુંબઈ, થાણે, પાલઘર, વિદર્ભમાં મધ્યમ સ્વરૂપના વરસાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લા માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની સાથે જ ૪૦થી ૫૦ કલાકના પ્રતિકિલોમીટરે પવન પણ ફૂંકાશે. રાજ્યના અમુક વિસ્તારમાં મુશળધાર વરસાદની શક્યતા છે.
પ્રદૂષણના સ્તરમાં ઘટાડો
મુંબઈમાં ગયા અઠવાડિયા સુધી પ્રદૂષણનું પ્રમાણ ભયનજક સ્તરે પહોંચી ગયું હતું પણ દિવાળીના દિવસથી મુંબઈમાં પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં રહેલા ધૂળના કણો સહિત પ્રદૂષણ સાફ થઈ ગયું છે. મુંબઈમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી હવાની ગુણવત્તા સુધરવાની સાથે જ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં ઘટાડો જણાઈ રહ્યો છે. મંગળવારે બપોર સુધીમાં મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૫૭ હતો. જોકે મોડી સાંજે ફરી ૮૮ સુધી પહોંચી ગયો હતો.
ધીમા પગલે ઠંડીનું આગમન
મુંબઈમાં હાલ વહેલી સવારના ઠંડક, દિવસના ગરમી અને ઉકળાટ તો સાંજ બાદ વરસાદ એમ ત્રણે ઽઽઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જોેકે વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ થોડું ઘટયું છે. તો દિવસ-રાતના તાપમાનમાં પણ હળવો ઘટાડો જણાઈ રહ્યો છે. મંગળવારે કોલાબામાં લઘુતમ તાપમાન ૨૪.૮ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૨૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
થોડા દિવસથી લઘુતમ તાપમાન ૨૬ થી ૨૭ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો હતો. મુંબઈમાં હજી બે-ત્રણ દિવસ વરસાદની શક્યતા છે, તેથી તાપમાનમાં હજી ઘટાડાની શકયતા છે. આ દરમ્યાન રાજ્યમાં પણ મોટાભાગના જિલ્લામાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે જ ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. મંગળવારે રાજ્યના હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં લઘુતમ તાપમાન ૧૫.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ આવતા અઠવાડિયાથી રાજ્યમાં શિયાળાની ઠંડીનો અનુભવ થશે.



