દોઢ મહિના પછી ગદ્દાર બેકાર; ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આવીને ગમે તેટલા કામોની રિબીન કાપી જાય. તમારી અને તમારા ગદ્દાર મિત્રો પાસે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમારી જગ્યા દેખાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દોઢ મહિના પછી સરકારમાં બેઠેલા તમામ ગદ્દારો બેરોજગાર થઈ જશે. તે પછી તેઓ અમારી પાસે રોજગાર લેવા આવશે, પરંતુ હું ગદ્દારોને રોજગાર પણ નહીં આપીશ એમ શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીની રોજગાર મેળાવડા બેઠકમાં શિંદે જૂથ પર નિશાન સાધતાં કહ્યું હતું.
વિધાનસભ્ય એડવોકેટ અનિલ પરબ દ્વારા આયોજિત મહાનોકરી મેળાવડાનું શનિવારે ઉદ્ધવ ઠાકરેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરે દ્વારા 15 યુવાનોને રોજગાર નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. તે સમયે શ્રોતાઓને માર્ગદર્શન આપતી વખતે ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ પર નિશાન સાધ્યું હતું. ઠાકરેએ કહ્યું કે વિશ્ર્વાસઘાત બાદ સર્જાયેલી અસ્થિરતાને કારણે કોઈ રોકાણકારો આપણા રાજ્યમાં આવવા તૈયાર નથી.
આ વખતે ઠાકરેએ મરાઠી લોકોને રોજગાર આપવાનો ઇનકાર કરતી કંપનીઓની ખબર લેતાં કહ્યું હતું કે વચ્ચેના સમયગાળામાં નોકરીમાં મરાઠી માણસ માટે ‘નો એન્ટ્રી’ની જાહેરાતો આવતી હતી, પરંતુ જે દરવાજા પર આવા બોર્ડ લગાવવામાં આવ્યા હશે તને તોડી નાખવામાં આવશે અને મરાઠી માણસ અંદર પ્રવેશ્યા વિના નહીં રહે, એમ ઠાકરેએ જણાવ્યું હતું. દરેક રાજ્યમાં ભૂમિપુત્રોના સન્માનની જાળવણી થવી જોઈએ એમ તેમણે કહ્યું હતું.