મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર 30 જૂનથી 18 જુલાઈ સુધી ચાલશે...
આમચી મુંબઈ

મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર 30 જૂનથી 18 જુલાઈ સુધી ચાલશે…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર 30 જૂનથી 18 જુલાઈ સુધી ચાલશે. આ નિર્ણય રાજ્ય વિધાનસભાના બંને ગૃહોની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદે અને નાયબ અધ્યક્ષ નીલમ ગોર્હે, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને નાયબ અધ્યક્ષ અન્ના બનસોડે ઉપરાંત રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન ચંદ્રકાંત પાટિલ પણ હાજર રહ્યા હતા.

ભાગ લેનારા અન્ય લોકોમાં રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલાર, અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન છગન ભુજબળ, જળ સંસાધન ખાતાના પ્રધાન ગિરીશ મહાજન, વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે તેમજ વિધાનસભ્યો દીપક કેસરકર (શિવસેના), શિવસેના (યુબીટી)ના ભાસ્કર જાધવ, એનસીપી (એસપી)ના જીતેન્દ્ર આવ્હાડ, નીતિન રાઉત અને અમીન પટેલ (કોંગ્રેસ) હાજર હતા.

‘કામકાજ સમિતિએ ત્રણ અઠવાડિયા માટે ચોમાસુ સત્ર ચલાવવાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ કાર્યવાહી ચલાવીશું,’ એમ ફડણવીસે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું. શાળાના અભ્યાસક્રમમાં ત્રીજી ભાષા અંગેના વિવાદ પર બોલતા, તેમણે કહ્યું કે હિન્દી વૈકલ્પિક છે જ્યારે મરાઠી ફરજિયાત છે.

2024ની વિધાનસભા ચૂંટણીમાં બોગસ મતદાન સંબંધિત અરજીઓને ‘નિરાશામાં કરવામાં આવેલા હાસ્યાસ્પદ દાવાઓ’ ગણાવીને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા અંગે પૂછવામાં આવતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે જો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ખરેખર બંધારણ, લોકશાહી અને ન્યાયતંત્રનો આદર કરે છે તો તેમણે રાજ્યની ચૂંટણીઓમાં ગોટાળા અને અનિયમિતતાઓ વિશે વાત કરવાનું હવે બંધ કરવું જોઈએ.

હાઈકોર્ટે તર્ક સાથે વિગતવાર આદેશ આપ્યો છે એમ જણાવતાં ફડણવીસે કહ્યું હતું કે ‘ઊંઘનો ડોળ કરનારાઓ વિશે કશું કરી શકાતું નથી.’‘પણ યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ (જનતા બધું જાણે છે),’ એમ તેમણે હિન્દી ફિલ્મના સંવાદનો ઉપયોગ કરીને જણાવ્યું હતું.

આપણ વાંચો : આર્થિક તંગી વચ્ચે મુંબઈ સંસદ પ્રાક્કલન સમિતિની ચકાચોંધ ઉજવણીથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપો

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button