આમચી મુંબઈ

મુંબઈ, થાણેમાં શનિવારથી ચોમાસું સક્રીય થવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા વીકએન્ડમાં બહાર જવાનો પ્રોગામ બનાવ્યો હોય તો વરસાદ પ્લાન પર પાણી ફેરવી શકે છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે મુંબઈ સહિત થાણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારેથી અતિ ભારે વરસાદ અને વીજળીના ગડગડાટ અને ભારે પવન ફૂંકાવાની સાથે જ વાવાઝોડાની આગાહી કરી છે.

મુંબઈ સહિત રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગે ૧૨થી ૧૭ જૂન દરમ્યાન રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં શનિવાર, ૧૪ જૂન માટે મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી ૧૪ જૂનના સવારના ૮.૩૦ વાગ્યાથી બીજા દિવસે સવારના ૮.૩૦ વાગ્યા સુધીના સમયગાળા માટે રહેશે. આ સમય દરમ્યાન વીજળી અને પ્રતિ કલાકના ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે સાથે પવન ફૂંકાઈને વાવાઝોડાની પણ શક્યતા છે. આ સમય દરમ્યાન રાયગઢ માટે રેડ એલર્ટજાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ માત્ર મુંબઈ અને થાણે આ બે જિલ્લાઓ માટે માત્ર એક દિવસ માટે જ આપી છે અને આ દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ૧૫ અને ૧૬ જૂ દરમ્યાન વીજળીના કડાકા અને ભારે વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરીને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. રાયગઢ માટે ૧૫-૧૬ જૂન માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે વરસાદ લાવનારી વેધર સિસ્ટમ બાબતે જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશના ઉત્તર કિનારપટ્ટીથી પશ્ર્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે આંધ્ર પ્રદેશના ઉત્તર કિનારપટ્ટી અને પડોશમાં ઓડિસા પર છે, જે દરિયાની સપાટીની ઉપર ૫.૮ કિલોમીટર સુધી દક્ષિણ-પશ્ર્ચિમ તરફ ફેલાયેલું છે. આ સર્ક્યુલેશનને કારણે છત્તીસગઢ, મરાઠવાડા, કર્ણાટક સુધી એક ટ્રફ સરેરાશ દરિયાઈ સપાટીથી ૩.૧ કિલોમીટરથી ૫.૮ કિલોમીટર સુધી ફેલાયેલો છે. તેની અસર હેઠળ ૧૨થી ૧૭ જૂન દરમ્યાન મહારાષ્ટ્રમાં વરસાદની પ્રવૃતિમાં વધારો થવાની શકયતા છે. આ સમયગાળા દરમ્યાન કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. ૧૨થી ૧૫ જૂન, ૨૦૨૫ દરમ્યાન કોંકણના અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો…વરસાદી પાણીનો નિકાલ કરનારી ડ્રેનેજ લાઈનની ક્ષમતા ૧૨૦ મિ.મી. સુધીની બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button