મુંબઈમાં ફરી ‘ચોમાસું’ જામ્યુંઃ મુલુંડ, ભાંડુપમાં ભારે વરસાદ
નીચાણવાળા વિસ્તારો બન્યા જળબંબાકાર, અંધેરી સબ-વે બંધ, આગામી બે દિવસ રેડ એલર્ટ
મુંબઈઃ આ વર્ષે ભાદરવા મહિનામાં પર્યાપ્ત વરસાદ વચ્ચે પણ અચાનક મિશ્ર ઋતુચક્રનો અહેસાસ થઈ રહ્યો છે. ભારે વરસાદ પછી પણ આકરી ગરમી અને આજે અચાનક વાતાવરણમાં પલટા પછી બપોર પછી મુંબઈ સહિત પરાં વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવવાનું ચાલુ થયું હતું. જાહેર રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પર અસર થઈ હતી, જ્યારે અંધેરી સબ-વેમાં પણ પાણીમાં ગરકાવ થવાને કારણે બંધ કરવામાં આવ્યો હતો.
આજે મુંબઈ સહિત પરાના વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી મુંબઈના મુલુંડ અને ભાંડુપના ઉપનગરીય વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું અને ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાણી ભરાયેલા રસ્તાઓ પર અટવાયેલા વાહનોને દર્શાવતા વીડિયોથી છલકાઈ ગયા હતા, જેમાં એક ઓટો-રિક્ષા વરસાદી પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે ફસાયેલી જોવા મળી હતી, જ્યારે મુંબઈની લોકલ ટ્રેનસેવા પર પણ અસર જોવા મળી હતી, જ્યારે અમુક રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તારો જળબંબાકાર બન્યા છે.
ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રાયગઢ, પુણે અને પાલઘર જેવા વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં મુંબઈ અને થાણેમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સમગ્ર શહેરમાં વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બુધવારે વહેલી સવારે વરસાદ શરૂ થતાં, શહેરના કેટલાક ભાગોમાં તૂટક તૂટક વરસાદ સાથે, વાદળછાયું આકાશ અને પવનની સ્થિતિ હતી. ભારતીય હવામાન વિભાગે અલગ-અલગ સ્થળોએ રાત્રે અને વહેલી સવારે અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. અહેવાલો અનુસાર, શહેરના પશ્ચિમી ઉપનગરોમાં અંધેરી સબવે પણ ભારે વરસાદ વચ્ચે બંધ કરવામાં આવ્યો હતો.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, હવામાન ગુરુવાર સુધી ગંભીર રહેવાની ધારણા છે, સપ્તાહના અંત સુધીમાં સ્થિતિમાં સુધારો થશે. દરમિયાન, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વહેલી સવારે ૫.૨૮ વાગ્યે ભરતીની જાણ કરી હતી, જ્યારે સાંજે ૫.૦૩ વાગ્યે બીજી અપેક્ષિત હતી.
બાદમાં દિવસભર પાણીના સ્તરમાં વધઘટ સાથે લો ભરતી પણ અપેક્ષિત છે. આ સમયગાળા દરમિયાન મુંબઈમાં તાપમાન ૨૪ સેલ્સિયસ અને ૨૯ સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. ખાસ કરીને જૈફ વયના નાગરિકો સાથે બાળકોને ઘરમાં રહેવા અને જોખમ ઘટાડવા માટે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.