Monsoon 2024: મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી : દેશના વિવિધ ભાગોમાં ચોમાસાની(Monsoon 2024)શરૂઆત સાથે જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં પર્વતીય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. જો કે વરસાદના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં એક બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાઈ જવાને કારણે ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા ગુમ વિદ્યાર્થીઓની શોધ ચાલી રહી છે. હાલ દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ
હવામાન વિભાગે કહ્યું છે કે રવિવારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ભારતના રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. 28 જુલાઈની આગાહી અનુસાર, ઝારખંડ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આજે ઓડિશાના 14 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડમાં પણ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આજે પણ હવામાન વિભાગે રાજ્યના છ જિલ્લા ચમોલી, પિથોરાગઢ, રૂદ્રપ્રયાગ, નૈનીતાલ, દેહરાદૂન અને ઉત્તરકાશીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે 31 જુલાઇ સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે. પર્વતીય વિસ્તારમાં વધુ પડતા વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં 31 જુલાઈ સુધી વરસાદની સંભાવના છે.
Also Read –