મોનો રેલ ફરી ખોટકાઈઃ 17 પ્રવાસીઓનો બચાવ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મોનો રેલ ફરી ખોટકાઈઃ 17 પ્રવાસીઓનો બચાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) માટે સફેદ હાથી સાબિત થયેલી મોનો રેલ ખોટકાઈ જવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. સોમવારે ફરી એક વખત મોનોરેલમાં ટેક્નિકલ ખામી સર્જાતા બંધ પડી જતા ૧૭ મુસાફરો મોનો રેલમાં ફસાઈ ગયા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

સોમવારે સવારે એન્ટોપ હિલ નજીક વડાલા ખાતે મોનો રેલ ટેક્નિકલ ખામીને કારણે અચાનક બંધ પડી ગઈ હતી. એમએમઆરડીએના જણાવ્યા મુજબ એન્ટોપ હિલ બસ ડેપો અને ગુરુતેગ બહાદુર નગર સ્ટેશન વચ્ચે સવારના ૭.૧૫ વાગે વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે મોનો રેલ સેવા ખોરવાઈ ગઈ હતી.

વડાલા ખાતે મોનોરેલમાં ટેક્નિકલ ખામી સર્જાયા બાદ ૧૭ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. સવારે ૭.૪૫ વાગ્યા સુધીમાં તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવીને અન્ય ટ્રેનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ બનાવમાં કોઈને ઈજા પહોંચી નથી. સવારના ૯.૩૦ વાગ્યા મોનોરેલની સેવા સામાન્ય થઈ ગઈ હતી.

એમએમઆરડીએના અધિકારીના જણાવ્યા મુજબ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટેક્નિકલ ટીમ અસરગ્રસ્ત ટ્રેનને ટૉ કરીને બીજા સ્ટેશન પર લઈ જવામાં આવી હતી. પાવર સપ્લાયમાં ખામીનું કારણ ઓળખવા માટે રેકનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવશે.

સવારના મોનોરેલમાં સર્જાયેલી ટેક્નિકલ ખામી દરમ્યાન જોકે મોનોરેલ સર્વિસ સિંગલ લાઈન પર દોડાવવામાં આવી હતી. જયારે વડાલા-ચેમ્બુર પટ્ટાને કોઈ અસર થઈ નહોતી. સંત ગાડકે મહારાજ ચોક તરફની સર્વિસ થોડા સમય પછી ફરી શરૂ થઈ હતી અને ૯.૩૦ વાગ્યા સુધીમાં લાઈન સંપૂર્ણ રીતે ચાલુ થઈ ગઈ હતી.

આ પહેલી વાર નથી જયારે મોનોરેલની સેવા ખોરવાઈ ગઈ હોય. ગયા મહિને પણ ભારે વરસાદ દરમ્યાન મૈસુર કોલોની અને ભક્તિ પાર્ક સ્ટેશન વચ્ચે મોનો રેલ બંધ પડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ભારે ભીડને કારણે ટ્રેનનુંવજન ૧૦૯ મેટ્રિક ટન ધઈ જવાને કારણે ટ્રેન બંધ પડી ગઈ હોવાનું જણાયું હતું. મોનો ટ્રેનની ૧૦૪ મેટ્રિક ટનની ડિઝાઈન ક્ષમતા કરતા વજન વધુ થઈ ગયું હતું. ઓવરલોડને કારણે પાવર રેલ અને કરન્ટ કલેકટર વચ્ચેનો યાંત્રિક સંપર્ક ખોરવાઈ ગયો હતો અને તેને કારણે પાવર સપ્લાય બંધ થઈ જતા ટ્રેન બંધ પડી ગઈ હતી.

આ પણ વાંચો…મુંબઈમાં મેઘ કહેર: મોનો રેલ અધ વચ્ચે અટકી, 400થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button