જનસન્માન યાત્રા દરમિયાન જનતાને અજિત પવારે આપી આ સલાહ…
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આખા મહારાષ્ટ્રમાં જનસન્માન યાત્રા કરી રહ્યા છે અને હાલ તેમની આ યાત્રા પૂર્વ વિદર્ભમાં પહોંચી છે. આ દરમિયાન ભંડારાના તુમસર ખાતે સભા યોજી હતી, જેમાં તેમણે લોકોને લોકસભાની ચૂંટણીમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવાની સલાહ આપી હતી.
અજિત પવારે સભા દરમિયાન સરકારની લાડકી બહેન સહિત વિવિધ યોજનાઓની માહિતી આપ્યા બાદ કહ્યું હતું કે કૉંગ્રેસ અને મહાવિકાસ આઘાડીએ લોકસભાની ચૂંટણી દરમિયાન અમે બંધારણ બદલાવી નાખીશું તેવું જુઠ્ઠાણું ચલાવીને તમારી દિશાભૂલ કરી હતી. બંધારણ કોઇ જ બદલાવી ન શકે એ તમે ધ્યાનમાં રાખો. રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર આવશે તો તમારા જીવનમાં જરાય ફરક નહીં પડે. ભંડારા-ગોંદિયા જિલ્લાનો જેટલો વિકાસ અમે કર્યો છે તેટલો વિકાસ કરવાની તાકાત વિરોધ પક્ષોમાં નથી. ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવી પડે છે, વિકાસ માટે ભંડોળ ખેંચીને લાવવું પડે છે.
તેમણે વિરોધ પક્ષોની ટીકા કરતા કહ્યું હતું કે જો મહાવિકાસ આઘાડીની સરકાર આવી તો કેન્દ્રમાં અમારી સરકાર નથી, ત્યાં કોઇ અમારું સાંભળતું નથી એવા જવાબો આપીને તે હાથ ખંખેરી લેશે. બંધારણ બદલાવી નાખીશું તેવો ડર બતાવીને લોકસભાની ચૂંટણીમાં વિપક્ષોએ તમારા મત મેળવ્યા અને તમારી દિશાભૂલ કરી. હવે કેન્દ્રમાં મોદીની જ સરકાર છે. બંધારણને કોઇએ હાથ નથી લગાવ્યો. અમે જય હિંદ અને જય ભીમ બોલનારા છીએ. કોઇએ ડરવાની જરૂર નથી. કોઇને એકલા નહીં છોડી દેવાય.