એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રોહિત આર્યાના કેમ્પેઈનને નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું હતું | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રોહિત આર્યાના કેમ્પેઈનને નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું હતું

કૉંગ્રેસે રોહિત કેસ મામલે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી

મુંબઈઃ શહેરના અતિ પૉશ પવઈમાં એક સ્ટૂડિયોમાં ઓડિશન માટે યુવાનીયાઓને બોલાવ્યા બાદ તેમને બંધક બનાવનારા રોહિત આર્યા વિશે એક પછી એક માહિતી બહાર આવી રહી છે. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો રોહિત માનસિક રીતે અસ્વસ્થ હતો, તેમ કહેવામાં આવે છે, પરંતુ તેની અસ્વસ્થતાનું કારણ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને ગણવામાં આવી રહ્યું છે.

શિક્ષણ વિભાગે તેના બાકી રૂ. 2 કરોડ ન ચૂકવતા તેણે આ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવે છે.
રોહિત ગયા વર્ષે ભૂખ હડતાળ પર ઉતર્યો હતો. ભૂખ હડતાળ દરમિયાન તેની તબિયત બગડી હતી. તે સમયે BJP-Shivsenaની સરકાર હતી અને શિવસેનાના દીપક કેસરકર શિક્ષણ પ્રધાન હતા. કેસરકરે દાવો કર્યો છે કે તેણે પોતે રૂ. 2 કરોડનો ચેક આપ્યો છે જ્યારે રોહિતનો દાવો હતો કે શિક્ષણ વિભાગે તેને પૈસા આપ્યા નથી.

મોદીએ કર્યા હતા વખાણ

રોહિત આર્યને મુખ્યમંત્રી માજી શાળા, સુંદર શાળા અભિયાન હેઠળ પીએલસી સ્વચ્છતા મોનિટર પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ યોજના દ્વારા બાળકોમાં સ્વચ્છતા ઉપરાંત જાગૃતિ પણ લાવવામાં આવી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય બાળકોને સામેલ કરીને તેમના માતાપિતાને સ્વચ્છતાના પાઠ શીખવવાનો હતો. શાળાના બાળકોને સ્વચ્છતા રાજદૂત બનાવવાના ઉદ્દેશ્યથી આ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું હતું. તેના પૈસા બાકી હોવાનો દાવો તેણે કર્યો હતો.

જોકે આ પહેલવાર ન હતું બન્યું. રોહિતે વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં લેટ્સ ચેન્જ અભિયાન દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્વચ્છતા અભિયાનમાં બાળકોને સામેલ કરીને તેમના માતાપિતા સુધી પહોંચવાનો વિચાર ગમ્યો. તેમણે આ અભિયાનની પણ પ્રશંસા કરી. આ પછી, 2022 માં દીપક કેસરકરે, જ્યારે તેઓ શિક્ષણ પ્રધાન હતા, ત્યારે મહારાષ્ટ્રમાં આ જ અભિયાન અમલમાં મૂક્યું હતું.

કૉંગ્રેસે કરી આકરી ટીકા

ગઈકાલે સમગ્ર મુંબઈ સહિત દેશના શ્વાસ અધ્ધર કરનારા રોહિત આર્યાએ વાયલ કરેલા વીડિયો અને ત્યારબાદ તેના વિશે બહાર આવતી માહિતી બાદ રાજ્ય સરકાર ભીંસ અનુભવી રહી છે. રોહિતે આ પગલું ભરવા પાછળ સરકારી ખાતા દ્વારા કરવામાં આવેલી નાણાની ઉંચાપતને જવાબદાર ઠેરવી છે. સરકારી કામકાજો સાથે જોડાતા કોન્ટ્રાક્ટરોને જે તકલીફ અનુભવવી પડતી હોય છે, તે વિષય ઉજાગર થયો છે.

કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સચિન સાવંતે ટ્વીટ કરી રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. સાવંતે કહ્યું છે કે રોહિતે જે કર્યું તે ભૂલભરેલું અને ગુનાહીત જ હતું, પરંતુ તેને આ રીતે અસ્થિર કરનારી ભાજપની સરકાર છે. માત્ર રોહિત નહીં લગભગ 81,000 કરોડ જેટલી રકમ કોન્ટ્રાક્ટરોની બાકી છે.


અગાઉ એક કોન્ટ્રાક્ટરે દોઢ કરોડ રૂપિયા ન મળતા આત્મહત્યા કરી હતી. રોહિતે પોતાના પૈસા પાછા મેળવવા તમામ કોશિશ કરી હતી. રોહિતની ગુનાખોરી માટે સરકાર પણ એટલી જ જવાબદાર છે. તેમણે તમામ બંધકોને સુખરૂપ છોડાવવા બદલ મુંબઈ પોલીસનું અભિવાદન પણ કર્યું હતું.

આ પણ વાંચો…મુંબઈમાં 17 બાળકોને ઓડિશનના બહાને બોલાવી બાનમાં લેનારા રોહિત આર્યે ભૂખ હડતાળ પણ કરેલી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button