મોદી સરકારના શાસનમાં આરટીઆઈ કાયદો નબળો બન્યો: મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે રવિવારે કેન્દ્ર સરકાર પર બે દાયકા પહેલાની યુપીએ સરકાર દ્વારા રજૂ કરાયેલા માહિતી અધિકાર (આરટીઆઈ) કાયદાને વ્યવસ્થિત રીતે નબળો પાડવાનો આરોપ લગાવ્યો.
આરટીઆઈ કાયદાએ શરૂઆતમાં નાગરિકોને સશક્ત બનાવ્યા હતા અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો, પરંતુ ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે સુધારા અને વહીવટી ઉપેક્ષા દ્વારા તેને નબળો બનાવ્યો છે, એવો ગંભીર આરોપ તેમણે લગાવ્યો હતો.
‘માહિતી કમિશનરોના પદ ખાલી રાખીને, ગોપનીયતાના બહાને જાહેર ડેટા શેર કરવાનો ઇનકાર કરીને અને ભારતીય રિઝર્વ બેંક અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓને આરટીઆઈમાંથી બાકાત રાખીને, મોદી સરકારે આ કાયદાને નબળો બનાવી દીધો છે,’ એમ સપકાળે આરટીઆઈ કાયદાની 20મી વર્ષગાંઠ પર એક પત્રકાર પરિષદને સંબોધતા આરોપ લગાવ્યો હતો.
તેમણે સરકાર પર નોટબંધી અને ચૂંટણી પ્રક્રિયાઓ સંબંધિત તથ્યો છુપાવવાનો પણ આરોપ લગાવ્યો હતો, જેમાં મતદાન મથકોના સીસીટીવી ફૂટેજનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે પોતાના સ્વ-પ્રચારમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું: હર્ષવર્ધન સપકાળ
સપકાળે જણાવ્યું હતું કે કોંગ્રેસ કાયદાને મજબૂત બનાવવા અને લોકોના માહિતી અધિકારને પુન:સ્થાપિત કરવા માટે એક ઝુંબેશ શરૂ કરશે, જેમાં જનજાગૃતિ અભિયાન, કાનૂની કાર્યશાળાઓ અને જરૂરી સુધારાઓ પર નાગરિકોના પ્રતિભાવ એકત્રિત કરવા માટે આઉટરીચ કાર્યક્રમનો સમાવેશ થશે.
આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર બ્રિટિશ યુગની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની વ્યૂહરચનાનો ઉપયોગ કરીને ‘સમાજમાં જાતિ આધારિત વિભાજનને જાણી જોઈને ભડકાવવા’નો આરોપ લગાવ્યો હતો.
‘તેમનો (ફડણવીસનો) ઠંડા અને ગણતરીપૂર્વકનો રાજકીય અભિગમ નથુરામ ગોડસેની માનસિકતાની યાદ અપાવે છે, જોકે સરખામણી પદ્ધતિઓની છે, વ્યક્તિઓની નહીં,’ એમ પણ સપકાળે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભાજપે ચૂંટણી પ્રક્રિયા ‘લૂંટી’, લોકશાહીનો નાશ કરવાની યુક્તિ: સપકાળ…
ઠાકરે બંધુઓની મુલાકાત સામે કૉંગ્રેસને વાંધો નહીં
તેમણે કહ્યું કે કોંગ્રેસને મનસેના વડા રાજ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે, જે શિવસેના (યુબીટી)ના વડા છે, વચ્ચેની બેઠકો સામે કોઈ વાંધો નથી.
રાજ ઠાકરે રવિવારે ઉદ્ધવને તેમના મુંબઈ નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે મળ્યા બાદ સપકાળે આ પ્રતિક્રિયા આપી છે, જે એક અઠવાડિયામાં તેમની બીજી મુલાકાત હતી.
‘અમે ઈન્ડી ગઠબંધનનો ભાગ છીએ. જોડાણ અંગેના નિર્ણયો ઘટક પક્ષો દ્વારા સામૂહિક રીતે લેવામાં આવશે,’ એમ કોંગ્રેસના નેતાએ ઉમેર્યું હતું.
રમખાણો ભડકાવવાનું ઈરાદાપુર્વકનું કાવતરું
અહિલ્યાનગર જિલ્લામાં તાજેતરના સાંપ્રદાયિક તણાવ પર ટિપ્પણી કરતા સપકાળે એવો આરોપ લગાવ્યો હતો કે, ‘મહારાષ્ટ્રમાં રમખાણો ભડકાવવા અને શાંતિમાં ખલેલ પહોંચાડવાનું ઇરાદાપૂર્વકનું કાવતરું ચાલી રહ્યું છે.’
પ્રધાનોને રાજ્યમાં ફરવા દેવામાં આવશે નહીં: સપકાળની ચેતવણી
તેમણે મહાયુતિ સરકાર પર ખેડૂતોને શોષણથી બચાવવામાં નિષ્ફળ જવાનો આરોપ પણ લગાવ્યો હતો.
‘જ્યારે સોયાબીન માટે લઘુત્તમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,400 છે, ત્યારે ખેડૂતોને રૂ. 3,200 થી રૂ. 3,700ના ભાવે સોયાબીન વેચવાની ફરજ પાડવામાં આવી રહી છે. સરકારે તાત્કાલિક ટેકાના ભાવે સોયાબીન ખરીદવું જોઈએ, નહીં તો કોંગ્રેસ પ્રધાનોને રાજ્યમાં મુક્તપણે ફરવા દેશે નહીં,’ એવી ચેતવણી સપકાળે ઉચ્ચારી હતી. (પીટીઆઈ)