હમ હૈ તૈયારઃ મુંબઈના સૌથી મોટા રેલવે સ્ટેશનમાં યોજાઈ મોક ડ્રીલ સંપન્ન…
આરપીએફ, જીઆરપી સહિત અન્ય સુરક્ષા દળોએ સંયુક્ત કવાયત કરી

સુરક્ષાના ભાગરુપે આજે દેશના ઐતિહાસિક અને મુંબઈના સૌથી મોટા રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે આજે વ્યાપક મોકડ્રીલ યોજાઈ હતી. ગૃહ મંત્રાલયના નિર્દેશો પર આયોજિત આ રાષ્ટ્રવ્યાપી સુરક્ષા કવાયતનો ઉદ્દેશ્ય કટોકટીની પરિસ્થિતિમાં સુરક્ષા દળોની તૈયારી અને સંકલનનું પરીક્ષણ કરવાનો હતો. સેન્ટ્રલ રેલવેએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP), મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સ (MSF) અને સિવિલ ડિફેન્સના સહયોગથી આ કવાયત સફળતાપૂર્વક હાથ ધરી. આ મોક ડ્રીલ માત્ર સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાનો જ નહીં, પરંતુ દેશ સંભવિત જોખમો પ્રત્યે કેટલો સતર્ક છે તે દર્શાવવાનો પ્રયાસ હતો.

આ મોક ડ્રીલ CSMTના વ્યસ્ત પ્લેટફોર્મ પર યોજાઈ હતી જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ તેમની તૈયારીઓ દર્શાવવા માટે ભેગા થયા હતા. આ કવાયત દરમિયાન, RPF અને GRP ટીમો સ્નિફર ડોગ્સ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને દરેક ટ્રેન, મુસાફરો અને તેમના સામાનની સંપૂર્ણ તપાસ કરતી જોવા મળી હતી.
એડિશનલ સિક્યોરિટી કમિશનર રણજિત કુમાર બેઝબરુઆએ જણાવ્યું હતું કે આ સંયુક્ત કામગીરી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હતી. દેશની વર્તમાન પરિસ્થિતિ અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, અમે વધુ સાવચેતી રાખી રહ્યા છીએ. અમારી પાસે RPF, MSF અને અન્ય એજન્સીના લગભગ 100 કર્મચારી CSMT ખાતે સઘન તપાસમાં જોડાયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

સુરક્ષા તપાસ પ્રક્રિયા
સુરક્ષા દળોએ સ્ટેશનના દરેક ખૂણાની સંપૂર્ણ તપાસ કરી. દરેક ટ્રેન અને મુસાફરોના સામાનનું સ્કેનિંગ કરવામાં આવ્યું, અને 22 સ્નિફર ડોગ્સની મદદથી શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી. આ કવાયતનો હેતુ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાનો હતો.
નિયમિતપણે યોજાય છે ડ્રીલ
આ ડ્રીલ અંગે સેન્ટ્રલ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે CSMT જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો ઉપર આવી મોક ડ્રીલ નિયમિતપણે યોજવામાં આવે છે. CSMT એક મુખ્ય સ્ટેશન છે, અને ત્યાં હંમેશા RPF, GRP અને અન્ય સુરક્ષા કર્મચારીઓ તૈનાત હોય છે. દરરોજ લાખો મુસાફરો CSMT પરથી મુસાફરી કરે છે ત્યારે અમારી પ્રાથમિકતા મુસાફરોની અને સ્ટેશનની સુરક્ષા છે.

તહેવારોની મોસમ દરમિયાન, જ્યારે લોકો તેમના વતનમાં મુસાફરી કરે છે, ત્યારે સુરક્ષા દળો વધારાની સાવધાની રાખે છે. મોક ડ્રીલથી સુરક્ષા દળોની તૈયારી જ નહીં, પણ મુસાફરોમાં વિશ્વાસ પણ જગાવ્યો કે તેમની સુરક્ષા માટે શક્ય તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે શહેરના અનેક રેલવે સ્ટેશનો પર પણ સુરક્ષા રક્ષકોની વ્યાપક હાજરી અને ચકાસણી જોવા મળી હતી.
આપણ વાંચો : શિંદે, અજિત પવારે ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદી અને સશસ્ત્ર દળોની પ્રશંસા કરી