અંબરનાથમાં ભાજપના નેતાની ઓફિસમાં તોડફોડ: ગુનો દાખલ…

થાણે: થાણે જિલ્લાના અંબરનાથમાં ભાજપના સ્થાનિક નેતાની ઓફિસમાં ઘૂસીને ટોળાએ કથિત તોડફોડ કર્યા બાદ એક વ્યક્તિની મારપીટ પણ કરી હતી. અંબરનાથ પૂર્વમાં ભાજપના ભૂતપૂર્વ નગરસેવક રાજુ મહાડિકની ઓફિસમાં શનિવારે રાતના આ ઘટના બની હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આશુતોષ કરાળે ઉર્ફે દાક્યા (23) અને ગની રફીક શેખ (25)ની નેતૃત્વ હેઠળ 10થી 12 જણનું ટોળું તલવારો સાથે જબરજસ્તી મહાડિકની ઓફિસમાં ઘૂસ્યું હતું. તેમણે ઓફિસમાં તોડફોડ કરી હતી અને ત્યાં કામ કરનારા કૃષ્ણા ગુપ્તા (22)ની મારપીટ કરી હતી. આ ઘટના ત્યાંના સીસીટીવી કેમેરાના કેદ થઇ હતી.
દરમિયાન ગુપ્તાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને હુમલાખોરોને ઓળખી કાઢવામાં આવ્યા છે, એમ શિવાજીનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રમેશ પાટીલે કહ્યું હતું.
ભાજપના નેતા અને આરોપીઓ વચ્ચે ચાલી રહેલા અંગત વિવાદને લઇ આ તોડફોડ કરાઇ હતી, એવું તપાસમાં જણાયું હતું. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ આરોપીઓને પકડવા માટે પોલીસ ટીમ તૈયાર કરવામાં આવી છે. (પીટીઆઇ)
આપણ વાંચો : હવે મરાઠી ભાષાના વિવાદમાં ઉદ્ધવની સેનાએ ઝંપલાવ્યું તો રાજ ઠાકરેએ કહ્યું કે…