મહારાષ્ટ્ર નગર પંચાયત ચૂંટણીમાં MNS ની કારમી હાર: મહાયુતિની ભવ્ય જીત

મુંબઈ: મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી નગર પરિષદ અને નગર પંચાયતોની ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય સમીકરણો સ્પષ્ટ કરી દીધા છે. એક તરફ સત્તાધારી મહાયુતિ ગઠબંધનનો દબદબો જોવા મળ્યો છે, તો બીજી તરફ રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) માટે અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન ઊભો થયો છે. આ ચૂંટણી પરિણામોએ આગામી સમયમાં આવનારી મોટી ચૂંટણીઓ માટે તમામ રાજકીય પક્ષોને મંથન કરવા મજબૂર કરી દીધા છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 288 નગર પરિષદો અને પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને 207 બેઠકો પર વિજય મેળવીને સપાટો બોલાવ્યો છે. જેમાં ભાજપને 117, એકનાથ શિંદેની શિવસેનાને ૫૩ અને અજિત પવારની NCP ને 37 બેઠકો મળી છે. બીજી તરફ, મહા વિકાસ આઘાડી (MVA) ને 44 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે, જ્યારે મનસે (MNS) પોતાનું ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે.
રાજ ઠાકરે માટે આ હાર નવી નથી, કારણ કે છેલ્લા કેટલાક સમયથી પાર્ટી સતત પરાજયનો સામનો કરી રહી છે. ઓગસ્ટ 2025માં બેસ્ટ (BEST) સોસાયટીની ચૂંટણી હોય કે નવેમ્બર 2024ની વિધાનસભા ચૂંટણી, MNS નું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. વિધાનસભામાં 135 બેઠકો પર ચૂંટણી લડ્યા હોવા છતાં એક પણ બેઠક ન જીતી શકનાર MNS હવે સ્થાનિક સ્તરે પણ પોતાનો જનાધાર ગુમાવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
નગર પંચાયતોના આ પરિણામો બાદ હવે ખરો જંગ 15 જાન્યુઆરી 2026ના રોજ યોજાનારી મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિતની 29 નગર નિગમોની ચૂંટણીમાં જોવા મળશે. ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે આ ચૂંટણીઓ એક જ તબક્કામાં યોજાશે અને તેનું પરિણામ 16 જાન્યુઆરીએ જાહેર થશે. BMC ચૂંટણીમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે કોઈ ગઠબંધન થાય છે કે કેમ, તેના પર મહારાષ્ટ્રના રાજકારણનો ભાવિ દરોમદાર રહેશે.
સતત મળી રહેલી હારને કારણે મનસેની રણનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો BMC ચૂંટણીમાં પણ MNSને કોઈ પ્રભાવ પાડી શકશે નહીં, તો પક્ષના કાર્યકરોનું મનોબળ તૂટી શકે છે. સત્તાધારી ગઠબંધનની મજબૂત પકડ વચ્ચે વિપક્ષોએ હવે નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવું પડશે, કારણ કે જનતાનો ઝુકાવ હાલમાં સ્પષ્ટપણે એક તરફી જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો…મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો, જીત બાદ પીએમ મોદીએ કરી પોસ્ટ…



