
બોઈસર: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇ-વે પરની અનેક હોટલોના સાઈનબોર્ડ પરથી મરાઠી દેવનાગરી લિપિ ગાયબ છે. તેના બદલે સાઈનબોર્ડ પર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓને અગ્રતાક્રમે સ્થાન આપવામાં આવ્યું છે. તેના વિરોધમાં મનસેના કાર્યકરોએ હાઇ-વે પર હાલોલી ગામની હદમાં આવેલી હોટલો પરના ગુજરાતી સાઈનબોર્ડની તોડફોડ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર જિલ્લામાં ઢેકાળેથી અચ્છાડ સુધીના ૭૦ કિમી લાંબા પટ્ટામાં આવેલી અનેક હોટલો અને ઢાબાના સાઈનબોર્ડ પર મરાઠીમાં નામ લખવામાં આવ્યા નથી. કેટલીક હોટલોના બોર્ડ પર અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મોટા અક્ષરોમાં નામ લખવામાં આવ્યા છે અને મરાઠીમાં નાના અક્ષરોમાં લખવામાં આવ્યુ છે. હાઈવે પરના સાતિવલી, કુડે હાલોલી, દુર્વેસ, મસ્તાન નાકા, ટાકવ્હાળ, નાંદગાંવ, આવઢાણી, ચિલ્હાર ફાટા, વાડા ખડકોના, ચારોટી નાકા, આંબોલી, તલાસરી, સાવરોલી, અચ્છાડ ગામોની હદમાં આવેલી હોટલના સાઈનબોર્ડ પર અંગ્રેજી, હિન્દીની સાથે ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, અને મરાઠી ભાષાનું સ્થાન નહિવત્ છે.
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પરની અનેક હોટલોના સાઈનબોર્ડ ગુજરાતી અને અન્ય લિપિમાં હોવાનું જાણવા મળતા મનસે આક્રમક બની હતી અને હોટલોના ગુજરાતી ભાષાના સાઈનબોર્ડ તોડીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.