મહારાષ્ટ્રમાં મનસેના સૂપડા સાફઃ 22 શહેરમાં ખાતા ખૂલ્યા નહીં…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા પછી હવે નગર પાલિકાની ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) જનતાએ સીધો દરવાજો દેખાડ્યો છે. રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે સાથે મળીને ચૂંટણી લડ્યા હતા, પરંતુ મુંબઈ મહાનગર પાલિકામાં કોઈ ચમત્કાર કરી શક્યા નથી. એટલું જ નહીં, 22 શહેરમાં તો પાર્ટી ખાતું ખોલી શકી નથી.
મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે, જેમાં ભાજપનું પહેલી વખત બહુમત જોવા મળી રહ્યો છે. એના સિવાય નાગપુરથી લઈને પુણે સુધી ભાજપ પોતાનો મેયર બનાવી શકે છે, પરંતુ ઠાકરે બ્રધર્સની જોડી નિષ્ફળ રહી છે.
ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, જેમાં મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 નગર પાલિકામાં 2869 સીટ પર મતદાન થયું હતું. અત્યાર સુધીમાં ભાજપ 1,064 બેઠક પર સરસાઈ મેળવી હતી, જ્યારે એકનાથ શિંદેની શિવસેના 282 વોર્ડમાં આગળ ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરેની યુબીટી 109 વોર્ડમાં સરસાઈ મેળવી હતી. અજિત પવારની પાર્ટી એનસીપી 113 સીટ પર આગળ ચાલે છે તો શરદ પવારની એનસીપી 24 સીટ પર આગળ હતી.
મહારાષ્ટ્ર નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ 222 સીટ પર આગળ છે, જ્યારે રાજ ઠાકરેની મનસે 12 બેઠક પર આગળ હતી. મુંબઈની કુલ 227 સીટ રાજ ઠાકરેની પાર્ટી પાંચ બેઠક પર આગળ છે. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે મળીને ચૂંટણી લડ્યા છતાં તેનો ફાયદો થયો નથી..
આપણ વાચો: મુંબઈ પાલિકાની ચૂંટણીમાં તણાવ વધ્યો: ગુજરાતી સમુદાય ત્રિભેટે
રાજ ઠાકરેની પાર્ટી સિંગટ ડિજિટમાં સીમિત
કલ્યાણ ડોંબિવલીમાં 122 સીટ છે, જ્યાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાને બહુમત મળ્યો છે, જ્યારે રાજ ઠાકરેની પાર્ટી ચાર સીટ પર આગળ હતી. થાણેની 131 બેઠક પર રાજ ઠાકરેની પાર્ટી ફક્ત એક સીટ પર આગળ હતી. નવી મુંબઈમાં (111) બેઠકમાં પાર્ટીને એક સીટ, નાશિકમાં 122 સીટમાંથી બે સીટ પર આગળ હતી. ઉપરાંત, ઉલ્હાસનગરમાં એક અને અહિલ્યાનગરમાં ત્રણ ઉમેદવાર આગળ હતા.
આમ છતાં પુણે, મીરા-ભાયંદર, ભિવંડી, પનવેલ, નાગપુર, પિંપરી ચિંચવડ, સંભાજીનગર, કોલ્હાપુર, સાંગલી-મિરજ, સોલાપુર, માલેગાંવ, જળગાંવ, ધુળે, ઈચલકરંજી, નાંદેડ, પરભણી, જાલના, લાતુર, અમરાવતી, અકોલા, સહિત ચંદ્રપુર મળીને લગભગ 22 શહેરમાં તો રાજ ઠાકરેની પાર્ટીને આનંદના સમાચાર મળ્યા નથી.



