પરપ્રાંતિયોને કનડતા મનસેના નેતાના ફૂડપ્લાઝામાં કંઈ જ મરાઠી નથીઃ યુઝર્સે ખેંચ્યા કાન

મુંબઈઃ રાજ ઠાકરે દ્વારા સ્થાપવામાં આવેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) મરાઠી માણસનો મુદ્દો લઈ આક્રમક બનતી હોય છે, કાયદો હાથમાં લેતી હોય છે અને તેમનાં નિશાના પર હંમેશાં પરપ્રાંતીયો રહેતા હોય છે. થોડા દિવસો પહેલા મનસેએ મરાઠી ભાષા મુદ્દે મારપીટ કરી કાયદો હાથમાં લીધો હતો. એક ગુજરાતી વેપારીને પણ મરાઠી ન બોલવા બદલ માર્યો હતો અને તેનો વીડિયો વાયરલ થયો હતો. ગમે ત્યારે ગુજરાતીઓ સહિત હિન્દીભાષીઓ પર તૂટી પડતા મનસેના નેતાઓમાનું એક મુખ્ય નામ છે સંદીપ દેશપાંડે. દાદર-લોઅર પરેલ વોર્ડમાં નગરસેવક રહી ચૂકેલો સંદીપ દેશપાંડે પરપ્રાંતીયો વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્વલ નંબર છે, પરંતુ તેમે પોતાના રેસ્ટોરાંમાં કંઈ જ મરાઠી રાખ્યું નથી અને બધુ જ પરપ્રાંતીય છે.

રાજ ઠાકરેના ઘર પાસે છે ફૂડ પ્લાઝા
ઈંદુરી ચાટ અને બરંચ કાઈ (ઈંદોરી ચાટ અને બીજું ઘણુબધું) આ નામ હેઠળ તેણે દાદરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેના ઘર પાસે જ એક ફૂડપ્લાઝા ખોલ્યું છે. અહીં એક જાણીતી શેફ આવી હતી અને તેની પોસ્ટ દેશપાંડેએ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરી હતી. હવે આ પોસ્ટ મામલે ભાજપના નેતાઓ દેશપાંડેને ટ્રોલ કરી રહ્યા છે.
ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે આ હોટેલનો કૂક પરપ્રાંતીય, હોટેલ મધ્યપ્રદેશના ઈંદોરની જાણીતી ચાટ વેચે છે, જે પ્રમોશન કરવા શેફ આવી હતી તે પરપ્રાંતીય છે. આ માણસે પોતાની હોટેલમાં એક પણ મરાઠી માણસ રાખતો નથી અને તે મરાઠી મેયર બનાવવાની વાત કરે છે. મેયર મરાઠી જ હશે પણ મહાયુતીની હિન્દુવાદી વિચારધારાનો હશે, તેવું ભાજપના નેતા કહી રહ્યા છે.
આ પણ વાંચો : બે અઠવાડિયામાં રાજ-ઉદ્ધવની બીજી મુલાકાત: મુંબઈ મનપાની ચૂંટણી અંગે ત્રણ કલાકની બેઠકમાં ચર્ચા
મનસેએ ધરતીપુત્રોને નોકરી આપવા, નોકરીમાં આરક્ષણ આપવા સહિતની ઘણી માગ કરી છે. મુંબઈમાં પરપ્રાંતીયોને કનડવાનું કામ મનસે કરતું આવ્યું છે. રિક્ષા-ટેક્સીવાળાને મારપીટ કરવાથી માંડી શાકાહારીઓના ઘર આસપાસ મચ્છી વેચવાના વિવાદો મનસે કરતું આવ્યું છે, પરંતુ પોતાના નેતાના રેસ્ટોરાંમાં મરાઠી માણૂસને જ કામ આપવાનું કામ થયું ન હોવાની ટીકા મનસે નેતાની થઈ રહી છે.
તેણે કરેલી પોસ્ટ બાદ ઘણા લોકો કમેન્ટ્સમાં પણ લખી રહ્યા છે કે પોતે વાત મરાઠી માણસની કરે છે અને હિન્દીભાષી અમરાઠી શેફને પ્રમોશન માટે બોલાવે છે.
सुप्रसिद्ध व नामांकित शेफ शिप्रा खन्ना आणि रश्मी उदयसिंग यांनी दादर येथील मी सुरु केलेल्या "इंदुरी चाट आणि बरंच काही…."या उपहार गृहाला भेट दिली pic.twitter.com/1ZtKJeRfoo
— Sandeep Deshpande (@SandeepDadarMNS) September 19, 2025
મનસેનું અસ્તિત્વ જોખમમાં
મનસે મહારાષ્ટ્રમાં અસ્તિત્વની લડાઈ લડી રહી છે. રાજ્યમાં તેમનું કોઈ પ્રતિનિધિત્વ નથી. એક સમયે નાશિકમાં મનસેનો મેયર હતો, પરંતુ હાલમાં તો મુંબઈમાં પણ તેમનું અસ્તિત્વ જોખમમાં છે. આવનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મનસે પિતરાઈ ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવે તેવી પૂરી સંભાવના છે, પરંતુ મુંબઈના પંચરંગી મિજાજને જોતા માત્ર મરાઠી માણૂસનો મુદ્દો ચાલશે નહીં. આ સાથે આ પ્રકારનો બેમોઢાવાળો તેમનો ચહેરો વારંવાર ખુલ્લો પડી ગયો છે, આથી મનસેએ પહેલા તો પક્ષની દિશા અને વિચારધારા નક્કી કરવાની જરૂર છે અને પછી તે પ્રમાણે ચાલે તેવા કાર્યકર્તા-નેતાની જરૂર છે.