આમચી મુંબઈમહારાષ્ટ્ર

પશ્ચિમ રેલવેને કારણે વધી રહી છે એમએમઆરડીએની આવક, આ છે કારણ…

મુંબઈઃ પશ્ચિમ રેલવે પર ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈનનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેને કારણે દરરોજ પશ્ચિમ રેલવેમાં ટ્રેનોના ધાંધિયા હોય છે અને પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. પરંતુ પશ્ચિમ રેલવેના આ બ્લોકને કારણે એમએમઆરડીએની તિજોરી ભરાઈ રહી છે કારણ કે મુંબઈની મેટ્રો 2એ અને મેટ્રો 7માં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને એક દિવસમાં બે લાખથી વધુ લોકોએ આ મેટ્રોમાં પ્રવાસ કર્યો હોવાની માહિતી એમએમઆરડીએ દ્વારા આપવામાં આવી હતી.

પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા બ્લોકને કારણે મુંબઈગરાઓએ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે વૈકલ્પિક માર્ગ પસંદ કરી લીધો છે. લોકલ ટ્રેનના ધાંધિયાને પરિણામે લોકોએ બાય રોડ પ્રવાસ કરવાનું શરૂ કર્યું પરંતુ એને કારણે મુંબઈના રસ્તા પર વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. આ સમસ્યામાંથી પણ મુક્તિ મેળવવા માટે મુંબઈગરાઓએ મેટ્રો પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

આ બાબતે માહિતી આપતા એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે એટલે કે 30મી ઓક્ટોબરના એક જ દિવસમાં મેટ્રો 2એ અને મેટ્રો 7માં અઢી લાખ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રો 2એ દહીંસર ઈસ્ટથી ડી એન નગર અને મેટ્રો 7 દહીંસરખી ગુંદવલી સુધી દોડાવવામાં આવે છે. આ બંને મેટ્રોલાઈન એકબીજાથી કનેક્ટેડ છે.

જ્યારથી આ રૂટ પર ટ્રેનો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી આજ દિન સુધી એક જ દિવસમાં અઢી લાખ પ્રવાસીઓએ મેટ્રોમાં પ્રવાસ કર્યો હોય એવું પહેલી જ વખત બન્યું છે, એવું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવે દ્વારા ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈનનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને આ કામ માટે હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે જેને કારણે દરરોજની આશરે 200થી વધુ લોકલ રદ કરવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં લોકલ રદ કરવામાં આવતા પ્રવાસીઓને હાલાકી પડી રહી છે. પરંતુ મુંબઈગરાએ પોતાનો રસ્તો શોધી લીધો છે અને આમ પશ્ચિમ રેલવેને કારણે એમએમઆરડીએની તિજોરી ભરાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button