ઇર્સ્ટન એક્સ્પ્રેસ-વે પરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા કિમીયો

રસ્તાની વચ્ચોવચ્ચ પિલ્લર નહીં બનાવાય
મુંબઈ: ઇસ્ટર્ન એક્સ્પ્રેસ-વે ખાતે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય એ માટે એમએમઆરડીએ(મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી) દ્વારા એક સ્પેશિયલ સ્પેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાલાથી કસારવડવલી મેટ્રો-4 માર્ગ પર અમર મહેલ જંક્શન પાસે 107 મીટર સ્ટીલનો સ્પેન તૈયાર કરવાનો એમએમઆરડીએ દ્વારા લેવામાં આવ્યો છે.
આ પહેલા મેટ્રો-4 માટે સ્પેન બનાવવા અમર મહેલ જંક્શન અને સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડની વચ્ચો વચ્ચ મેટ્રો માટે પિલ્લર બાંધવાની યોજના એમએમઆરડીએની હતી. જોકે, ટ્રાફિક પોલીસે તેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની શક્યતા વ્યક્ત કરી અહીં પિલ્લર ઊભો કરવાની મંજૂરી આપી નહોતી. જેને પગલે હવે આ પિલ્લર ઊભો કરવાને બદલે 107 મીટરનો સ્ટીલ સ્પેન ઊભો કરવાનો નિર્ણય એમએમઆરડીએએ લીધો છે.
મેટ્રો-4ની કુલ લંબાઇ 32.32 કિલોમીટરની છે અને આ લાઇન પર કુલ 30 સ્ટેશન છે. 2018માં એમએમઆરડીએ દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજના મુજબ આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ 14,549 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો: ચોમાસા દરમિયાન એમએમઆરડીએનો અટલ સેતુ માટે ટોલ ફ્રી નંબર
હાલ આ મેટ્રો પ્રોજેક્ટનું કામ પાંચ પેકેજમાં ચાલી રહ્યું છે અને ત્યાર પછીના ભાગમાં આઠમા પેકેજમાં અમર મહેલ જંક્શનનું બાંધકામ થશે છે, જેની વચ્ચે ઇસ્ટર્ન એક્સ્પ્રેસ-વે અને ઘાટકોપર-મુલુંડ રસ્તો આવે છે. આ વિસ્તારમાં હંમેશા ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે.
આ જ રસ્તે મેટ્રો-4 લાઇન તૈયાર કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસે પ્રોજેક્ટના આ હિસ્સાનું નિરીક્ષણ કરી અમુક ફેરફાર સૂચવ્યા હતા જેને ધ્યાનમાં લઇને એમએમઆરડીએ દ્વારા 107 મીટરનો મિક્સ્ડ સ્ટીલનો સ્પેશિયલ સ્પેન ઊભો કરવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા આ લાઇન પર 38.6 મીટર, 48.4 મીટર અને 44 મીટરનો એમ ત્રણ સ્પેન તૈયાર કરવાની યોજના હતી. જોકે, ટ્રાફિક પોલીસના સૂચન બાદ ત્રણ સ્પેનને બદલે 107 મીટરનો એક સ્પેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.