એમએમઆરડીએનું 2025-26 માટેનું બજેટ: માળખાકીય વિકાસ માટે ફાળવવામાં આવી ભંડોળની 87 ટકા રકમ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં અને નગર વિકાસ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન માધુરી મિસાળની હાજરીમાં, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ શુક્રવારે વર્ષ 2025-26 માટે 40,187.41 કરોડ રૂપિયાનો બજેટ અંદાજ રજૂ કર્યો હતો.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનના નાગરિકોને શહેરી સેવાઓ અને માળખાકીય સુવિધાઓ વધારવા અને ઉપલબ્ધ કરાવવા માટે 35,151.14 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે કુલ ખર્ચના આશરે 87 ટકા થવા જાય છે. આમાં મેટ્રો લાઇનનું વિસ્તરણ, નવી ટનલનું બાંધકામ, કોસ્ટલ રોડ, પ્રાદેશિક જળ સ્ત્રોત વિકાસ અને મુખ્ય શહેરી માળખાકીય કાર્યોનો સમાવેશ થાય છે.
આ બજેટ એમએમઆરડીએના મેટ્રોપોલિટન કમિશનર ડૉ. સંજય મુખર્જી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને નાયબ મુખ્ય પ્રધાન અને એમએમઆરડીએના અધ્યક્ષ એકનાથ શિંદે દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2025-26 માટે અંદાજિત આવક 36,938.69 કરોડ રૂપિયા છે.
એમએમઆરડીએના મતે આ બજેટ મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં સંકલિત, સંતુલિત અને ઝડપી વિકાસને વેગ આપશે, મુસાફરીનો સમય અને અંતર ઘટાડશે અને ટ્રાફિક ભીડ હળવી કરશે તેવી અપેક્ષા છે.
બજેટમાં મુખ્ય પ્રોજેક્ટ્સ માટે ભંડોળ ફાળવણી:
ક્રમાંક | પ્રોજેક્ટનું નામ | ફાળવણી (કરોડમાં રૂપિયા) |
1 | મેટ્રો પ્રોજેક્ટ લાઈન 2બી: ડીએન નગર – માંડલે | 2,155.80 |
2 | મેટ્રો પ્રોજેક્ટ લાઈન 4: વડાલા – ઘાટકોપર – મુલુંડ – થાણે – કાસરવડવલી | 3,247.51 |
3 | મેટ્રો પ્રોજેક્ટ લાઈન 5: થાણે – ભિવંડી – કલ્યાણ | 1,579.99 |
4 | મેટ્રો પ્રોજેક્ટ લાઈન 6:સ્વામી સમર્થ નગર -કાંજુરમાર્ગ | 1,303.40 |
5 | મેટ્રો પ્રોજેક્ટ લાઈન 9: દહિસરથી મીરા-ભાયંદર અને લાઈન 7એ (અંધેરી થી એરપોર્ટ) | 1,182.93 |
6 | મેટ્રો પ્રોજેક્ટ લાઈન 12: કલ્યાણ – તલોજા | 1,500.00 |
7 | વિસ્તૃત મુંબઈ શહેરી માળખકીય પ્રોજેક્ટનો અમલ | 521.47 |
8 | ચાર-માર્ગની ભૂગર્ભ ટનલ | 2,684.00 |
9 | કોસ્ટલ કનેક્ટિવિટી ભૂગર્ભ ટનલ: ઓરેન્જ ગેટ, ઇસ્ટર્ન ફ્રીવેથી મરીન ડ્રાઇવ | 1,813.40 |
10 | ઉત્તનથી વિરાર કોસ્ટલ પ્રોજેક્ટ | 2,000.00 |
11 | પ્રાદેશિક જળ સ્ત્રોત વિકાસ (સૂર્ય, કાલુ, દેહરજી પ્રોજેક્ટ્સ) | 1,645.00 |
12 | થાણે-ઘોડબંદર રોડ પર ગાયમુખથી ફાઉન્ટેન હોટેલ જંકશન સુધી ભૂગર્ભ ટનલ | 1,200.00 |
13 | ફાઉન્ટન હોટેલ જંકશનથી ભાયંદર સુધીનો એલિવેટેડ રોડ | 1,000.00 |
14 | કેએસસી નવનગર પ્રોજેક્ટ (કરનાળા-સાઈ-ચિરનેર – એનટીડીએ) | 1,000.00 |
નાણાકીય વર્ષ 2025-26 માં શરૂ કરાયેલા નવા પ્રોજેક્ટ્સ:
- મેટ્રો લાઇન-5નું વિસ્તરણ: દુર્ગાડી (કલ્યાણ)થી ઉલ્હાસનગર
- મેટ્રો લાઇન-10: ગાયમુખથી શિવાજી ચોક (મીરા રોડ)
- મેટ્રો લાઇન-13: શિવાજી ચોક (મીરા રોડ)થી વિરાર
- મેટ્રો લાઇન-14: કાંજુરમાર્ગથી બદલાપુર
- ગાયમુખથી ફાઉન્ટેન હોટેલ જંકશન ટનલ રોડ- ભાગ 1
- ફાઉન્ટેન હોટેલથી ભાયંદર વચ્ચે એલિવેટેડ રોડની ડિઝાઇન અને બાંધકામ
- ઐરોલી ટનલથી કટાઈ નાકા રોડ (ભાગ 3) – 6.71 કિમી રોડનો પટ્ટો
- વિસ્તૃત મુંબઈ શહેરી માળખાગત પ્રોજેક્ટ (એમયુઆઈપીનું વિસ્તરણ)
અ) મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં: - સુભાષચંદ્ર બોઝ ગ્રાઉન્ડથી ઉત્તન સુધીના રસ્તાનું બાંધકામ
- ઘોડબંદરથી જેસલ પાર્ક (ઘોડબંદર કિલ્લા સુધી) 60 મીટર/30 મીટર પહોળા રસ્તાનું બાંધકામ
- રાષ્ટ્રીય ધોરીમાર્ગની સમાંતર, ઘોડબંદર સાઈ પેલેસથી ઠાકુર મોલ સુધી 30 મીટર પહોળા રસ્તાનું બાંધકામ
- મીરા રોડ પૂર્વ અને પશ્ર્ચિમને જોડતા રસ્તા અને રેલવે ઓવર બ્રિજ (આરઓબી)નું બાંધકામ
ઇ) થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં: - ઓવળા-માજીવાડા મતવિસ્તારમાં 23 રસ્તાઓનું બાંધકામ
ઈ) વસઈ-વિરાર ક્ષેત્રમાં: - વસઈ-વિરારમાં રસ્તાઓ, ખાડી પુલ અને એફઓબી
- વસઈ-વિરાર મ્યુનિસિપલ વિસ્તારમાં 4 મુખ્ય શહેરો અને આસપાસના ગામોને જોડતા 40 મીટર પહોળા રિંગ રોડનું બાંધકામ
- વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5 આરઓબીનું બાંધકામ
નાણાકીય વર્ષ 2025-26 માટે અંદાજિત આવક 36,938.69 કરોડ રૂપિયા છે, જ્યારે અંદાજિત ખર્ચ 40,187.41 કરોડ રૂપિયા છે, જેના પરિણામે 3,248.72 કરોડ રૂપિયાની બજેટ ખાધ છે. આ ખાધને જમીન વેચાણ, બોન્ડ જારી કરવા, સરકાર તરફથી નાણાકીય સહાય અને નાણાકીય સંસ્થાઓ તરફથી લોન દ્વારા પૂર્ણ કરવાનો પ્રસ્તાવ છે. કુલ અપેક્ષિત આવક 36,938.69 કરોડ રૂપિયા થાય છે, જ્યારે કુલ અંદાજિત ખર્ચ આશરે 40,187.41 કરોડ રૂપિયા થાય છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશ મહારાષ્ટ્રના આર્થિક વિકાસનો આધાર છે. એમએમઆરમાં ચાલી રહેલા માળખાકીય પ્રોજેક્ટ્સ રાજ્યના વિકાસને વેગ આપી રહ્યા છે. મહારાષ્ટ્રે 15.70 લાખ કરોડ રૂપિયાના કુલ 54 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આમાંથી, એમએમઆરડીએએ 3.50 લાખ કરોડ રૂપિયાના 11 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ બજેટ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના વિઝનને પ્રાપ્ત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.’
એકનાથ શિંદેએ બજેટને મંજૂરી આપતા કહ્યું હતું કે, ‘અમારી ટોચની પ્રાથમિકતા મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશનો સર્વાંગી અને ઝડપી ગતિનો વિકાસ છે. આ બજેટ નવા મેટ્રો કોરિડોરથી લઈને જળ સંસાધન પ્રોજેક્ટ્સ સુધીના તમામ ક્ષેત્રોમાં સમાવિષ્ટ પ્રગતિ સુનિશ્ચિત કરે છે. એમએમઆરડીએની યોજનાઓ મુંબઈને વૈશ્ર્વિક આર્થિક કેન્દ્ર તરીકે સ્થાન આપશે. 2025-26નું બજેટ એમએમઆરના બહુપરીમાણીય વિકાસ માટે એક સ્વપ્નદ્રષ્ટા અને વ્યાપક દસ્તાવેજ છે.’
આ પણ વાંચો : કાલબાદેવીના સુવર્ણકારો માટે વૈકલ્પિક જગ્યાની માગણી…