ખાતર ઉપર દિવેલઃ BKCમાં 55 કરોડના ખર્ચે બનાવેલા સાઈકલ ટ્રેકને હટાવવાનો નિર્ણય

મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. ૨૦૧૧માં શરૂ કરાયેલ આ સાઈકલ ટ્રેકનો ઉપયોગ થતો નહીં હોવાથી એમએમઆરડીએ એ ૯.૯ કિ.મી. લાંબા માર્ગને દૂર કરીને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે, જેથી બીકેસીમાં ટ્રાફિકની સમસ્યાને આંશિક રીતે હલ કરી શકાય.
એમએમઆરડીએ એ સાયકલ ટ્રેકના નિર્માણ માટે ત્રણ તબક્કામાં અંદાજે રૂ. 55 કરોડનો ખર્ચ કર્યો હતો. હવે રૂ. ૨૫ કરોડના ખર્ચે એમએમઆરડીએ સાઈકલ ટ્રેક દૂર કરી રોડને પુનઃસ્થાપિત કરશે. પરિવહન નિષ્ણાતો એમએમઆરડીએના મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી છે.
આપણ વાંચો: એમએમઆરડીએએ 4 લાખ કરોડ રૂપિયાના એમઓયુ કર્યા: એકનાથ શિંદે
નિષ્ણાતોએ આક્ષેપ કર્યો છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ પ્રકારની શક્યતા અભ્યાસ વિના હાથ ધરવામાં આવ્યો હતો. એટલે સમજોને આ પ્રોજેક્ટ હવે ખાતર ઉપર દિવેલ કહેવતને સાર્થક કરે છે. એક તો હવે આ ટ્રેક કોઈ ઉપયોગ કરતું નથી, તેમાંય વળી હવે તેને હટાવવા માટે કરોડો રુપિયાનો ખર્ચ કરવાથી પ્રશાસન પર વધુ ખર્ચનું ભારણ વધશે, એમ પણ જણાવ્યું હતું.
એમએમઆરડીએએ 2011માં બીકેસીમાં મુસાફરો માટે ઇકો-ફ્રેન્ડલી પરિવહન વિકલ્પ પ્રદાન કરવા માટે એક સાઈકલ રૂટ સેટ કર્યો હતો. પરંતુ આ સાઇકલ ટ્રેકનો નાગરિકોએ પાર્કિંગ તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ ટ્રેકનો ઉપયોગ થતો ન હોવાનું સ્પષ્ટ હોવા છતાં, 2017માં સાઈકલ પાથ પ્રોજેક્ટ ફરીથી હાથ ધરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: એમએમઆરડીએનું 2025-26 માટેનું બજેટ: માળખાકીય વિકાસ માટે ફાળવવામાં આવી ભંડોળની 87 ટકા રકમ…
શરૂઆતમાં છ કરોડ અને પછી બે તબક્કામાં અંદાજે રૂ. 50 કરોડનો ખર્ચ થયો હતો. પરંતુ આ વખતે પણ હવે સાઈકલ પાથનો ઉપયોગ ન થતાં કુલ રૂ. ૫૫ કરોડ વેડફાઈ ગયા. હવે એમએમઆરડીએએ બીકેસીમાં ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે આ ટ્રેક હટાવી રસ્તાઓને પહોળો કરવાનો નિર્ણય લીધો છે, જેમાં અંદાજે ૨૫ કરોડનો ખર્ચ થવાની ધારણા છે.
ટ્રાન્સપોર્ટ નિષ્ણાતએ આ અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે બીકેસીમાં આવા પ્રયોગો કરવાને બદલે બેસ્ટની બસ વ્યવસ્થાને મજબૂત કરવા પર ધ્યાન આપવાની જરૂર છે. માહિતી અધિકાર કાર્યકર્તા અનિલ ગલગલીએ સાઈકલ પાથ બનાવનારા અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.