મેટ્રો-થ્રીઃ આરે કોલોનીથી બીકેસીના પહેલા તબક્કા માટે મેટ્રો દોડાવવા માટે પ્રશાસન…
મુંબઈઃ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે (એમએમઆરસીએલ)એ આરે કોલોની-જેવીએલઆરથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશન વચ્ચેના પ્રથમ તબક્કાની મેટ્રો દોડાવવા માટેની બધી કામગીરી પૂર્ણ કરી લીધી છે. કંપનીના જણાવ્યા મુજબ હવે માત્ર મેટ્રો રેલ સેફ્ટી કમિશનર (CMRS) તરફથી પ્રમાણપત્ર મેળવવાની રાહ જોવાઈ રહી છે.
અમે પ્રથમ તબક્કાની કામગીરી માટે તૈયારી કરી લીધી છે અને રોલિંગ સ્ટોકના પ્રમાણપત્ર માટે સીએમઆરએસને મોકલવામાં આવ્યું છે. આરે જેવીએલઆર- બીકેસી સ્ટેશનો માટે પ્રમાણપત્ર પછી મુખ્ય લાઇનના પ્રમાણપત્ર માટેની અરજી સબમિટ કરવામાં આવશે.
એકવાર ભારત સરકાર તરફથી આ બંને મંજૂરીઓ મળી જાય,પછી અમે પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરીશું, એમએમઆરસીએલના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું. શું ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કામગીરી શરૂ થવાની અપેક્ષા છે? તેના જવાબમાં ભિડેએ કહ્યું, અમે તેના માટે પ્રયાસ કરી રહ્યા છીએ. તે બધા પ્રમાણપત્રો પર આધાર રાખે છે. અમે તે મેળવવાની ખૂબ નજીક છીએ.
મેટ્રો ૩ એ કોલાબા-બાંદ્રા-સીપ્ઝને જોડતો ૩૩.૫ કિમી લંબો ભૂગર્ભ કોરિડોર છે. કોરિડોરમાં ૨૭ મુખ્ય સ્ટેશનો છે જેમાંથી ૨૬ ભૂગર્ભ અને એક ઉપર હશે. અનુક્રમે રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન, ઈન્ડિપેન્ડન્ટ સેફ્ટી એસેસર, કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી જેવી બહુવિધ મંજૂરીઓ જરૂરી છે. એમએમઆરસીએલ પાસે હાલમાં તેના કાફલામાં ૧૯ રેક છે, જે ભૂગર્ભ મેટ્રો કોરિડોરના પ્રથમ તબક્કાના સંચાલન માટે પૂરતા છે.
એક વાર તૈયાર થઈ ગયા પછી, ૨૬૦ સેવાઓ દરરોજ અંદાજિત ૧૭ લાખ મુસાફરો વહન કરશે. એમએમઆરસીએલ સ્ટેશનોના મલ્ટિ-મોડલ એકીકરણ પર પણ કામ કરી રહ્યું છે, જેમાં જાહેર પરિવહનના અન્ય મોડ્સ સાથે કનેક્ટિવિટી, સ્ટેશનોની બહાર સારી ફૂટપાથ, બેઠક વ્યવસ્થા અને જ્યાં જરૂર હોય ત્યાં ફૂટ ઓવર બ્રિજ સામેલ છે.
તાજેતરમાં, ભારત સરકારે જાપાનીઝ ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી સાથે પાંચમા અને અંતિમ તબક્કાના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ ભારત સરકારની મંજૂરી મુજબ, મુંબઈ મેટ્રો લાઇન-૩ની સુધારેલ પ્રોજેક્ટ કિંમત રૂ. ૩૭,૨૭૬ કરોડ છે, જેમાં ૫૭.૦૯ ટકા જેઆઈસીએ લોન રૂ. ૨૧,૨૮૦ કરોડની છે.
જેઆઈસીએ લોન કરાર મુજબ ૮૪ અબજ જાપાનીઝ યેન (રૂ. ૪૬૫૭ કરોડ) ની રકમ સાથે મેટ્રો લાઇન ૩ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું થાય છે. નોંધનીય છે કે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ ના રોજ પ્રથમ હપ્તા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.