હવે ફ્લાયઓવરની જવાબદારી મહાપાલિકાના માથે સાત દિવસમાં એસએસઆરડીસી પાસેથી હસ્તાંતરણ

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં બાંધવામાં આવેલા ૩૪ ફ્લાયઓવરની દેખરેખની જવાબદારી મહાનગરપાલિકાના માથે નાખી દીધી છે. રાજ્ય સરકારે સાત દિવસમાં આ ફ્લાયઓવરને તાબામાં લેવાનો સંબંધિત મહાનગરપાલિકાઓને આદેશ આપ્યો છે. તે મુજબ મુંબઈ મેટ્રોપોલિટન રિજનના ૩૪ ફ્લાયઓવરની દેખરેખની જવાબદારી હવેથી સંબંધિત મહાનગરપાલિકાઓની રહેશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે એમએસઆરડીસી દ્વારા ૧૯૯૬માં પંચાવન ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ બાદ ૩૪ ફ્લાયઓવર બાંધવામાં આવ્યો હતો, જેમાં મુંબઈના ૨૭ ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. આ ફ્લાયઓવરની દેખરેખ અને સમારકામની જવાબદારી હાલ એમએસઆરડીસી અને સંબંધિત ટોલ વસૂલ કરનારા કૉન્ટ્રેક્ટર પર છે.
ચોમાસામાં ફ્લાયઓવર પર ખાડાઓની સમસ્યા નિર્માણ થતી હોય છે. મુંબઈના રસ્તા પર અને ફ્લાયઓવર પરના ખાડાઓને લઈને રાજકીય ધમાસણ પણ થતું હોય છે અને મુંબઈ મહાનગરપાલિકાને ટીકાનો પણ સામનો કરવો પડતો હોય છે. તેથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં બાંધવામાં આવેલા ૩૪ ફ્લાયઓવરની દેખરેખની જવાબદારી પાલિકાને સોંપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ સંબંધી રાજ્ય સરકારનો નિર્ણય બહુ જલદી સાર્વજનિક બાંધકામ વિભાગ મારફત જાહેર કરવામાં આવશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનના ૩૪ ફ્લાયઓવરમાંથી મુંબઈ મહાનગરપાલિકાને માથે ૨૭, થાણે મહાનગરપાલિકાને માથે ત્રણ તો નવી મુંબઈ મહાનગરપાલિકાને ચાર ફ્લાયઓવરની દેખરેખ કરવી પડવાની છે.



