‘ગૌહત્યા વિરોધી કાયદો રદ કરો’, મહારાષ્ટ્ર ભાજપના નેતાએ ગૌરક્ષકો સામે ગંભીર સવાલ ઉઠાવ્યા!

મુંબઈ: કેન્દ્ર અને કેટલાક રાજ્યોમાં સત્તાધારી પક્ષ ભાજપ ગાયોના રક્ષણ અને સંવર્ધન માટે વધુ સક્રિય માનવા આવે છે. ભાજપના નેતાઓ ગૌહત્યા પર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા માંગ કરતા રહે છે અને કેટલાક કિસ્સામાં પોતાને ગૌરક્ષક ગણાવતા આગેવાનો કાયદો પણ હાથમાં લેતા જોવા મળ્યા છે. એવામાં ભાજપ તરફથી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય અને ખેડૂત નેતા સદાભાઉ ખોતએ ગૌરક્ષકોને વખોડી કાઢ્યા છે અને ગૌહત્યા વિરોધી કાયદો રદ કરવા માંગ કરી (Sadabhau Khote condemn Guarakshaks) હતી.
મહારાષ્ટ્ર પશુ સંરક્ષણ (સુધારો)કાયદો 2015 માં ગાય, બળદ અને બળદની કતલ રોકવાની જોગવાઈ કરવામાં આવી છે. એક નિવેદનમાં સદાભાઉ ખોતએ આ કાયદાને ખેડૂતો વિરોધી ગણાવ્યો છે.
સ્વઘોષિત ગૌરક્ષકો દ્વારા કાયદો હાથમાં લેવાના વધી રહેલા બનાવ અંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રાજ્યના સિનીયર પોલીસ અધિકારીઓ બેઠક કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રમાં રાજ્ય સરકારે ગૌમાંસની દાણચોરીની ફરિયાદોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે વારંવાર કાયદો તોડતા ગુનેગારો માટે સજા વધારીને ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતા કાયદાને કડક બનાવવામાં આવશે. ત્યાર બાદ ભાજપ નેતા સદાભાઉ ખોતનું નિવેદનનું આ નિવેદન મહત્વપૂર્ણ થઇ જાય છે.
કાયદો ખેડૂતોની વિરોધી?
અંગ્રેજી ભાષાના એક અખબાર સાથે વાત કરતા સદાભાઉ ખોતે કહ્યું, “કોઈ પણ ખેડૂત દૂધ દેતી ગાયોને નહીં છોડે કેમ કે રાજ્યના લાખો ખેડૂતો માટે ડેરી એક મહત્વપૂર્ણ વ્યવસાય છે. આમાંથી થતી આવક હવે એવા પશુઓની સંભાળ રાખવામાં ખર્ચવામાં આવી રહી છે, જે આવક પેદા કરી શકતા નથી. કારણ કે આ પ્રાણીઓના ટ્રાન્સફર પર પ્રતિબંધ છે, આ ઉપરાંત કહેવાતા ગૌ રક્ષકો તરફથી હુમલાનું જોખમ પણ છે, આ કાયદો ખરેખર ખેડૂતોની વિરોધી હોય એવું લાગી રહ્યું છે.
ગૌરક્ષકો પૈસા ઉઘરાવે છે:
સદાભાઉ ખોતે મહારાષ્ટ્રમાં ગૌરક્ષકો દ્વારા કરવામાં આવતી ગેરકાયદે કાર્યવાહીની પણ ટીકા કરી. તેમણે કહ્યું, “આ કહેવાતા ગૌરક્ષકો ખેડૂતો અને વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે. વર્તમાન કાયદો ખેડૂતોની આજીવિકા માટે જોખમ છે. આ કાયદો રદ કરવો જોઈએ. આ કાયદાને કારણે, દેશી ગાયો પાળવા પ્રોત્સાહન મળતું નથી નથી કારણ કે જર્સી ગાયો તેમનું સ્થાન લઈ રહી છે. આ ગૌરક્ષકોના ડરને કારણે, વિવિધ રાજ્યોમાંથી નવી જાતિની ગાયો લાવવાનું લગભગ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે.”
સદાભાઉની દલીલ:
સદાભાઉ ખોતે કહ્યું, “ગૌહત્યા પ્રતિબંધ કાયદો ભારતીય જાત ગાયો પર જ લાગુ હોવો જોઈએ. આ કાયદામાં હાઇબ્રિડ-જર્સી ગાયોનો સમાવેશ થવી ન જોઈ. ખેડૂતોની માલિકીની 90% ગાયો જર્સી-હાઇબ્રિડ ગાયો છે અને ફક્ત 10% ભારતીય જાતિની છે.”
સદાભાઉ ખોતે એવી પણ માંગણી કરી કે ગૌશાળાઓએ ખેડૂતો પાસેથી ગાયો મફતમાં લેવાને બદલે બજાર ભાવે ખરીદવી જોઈએ.
ભાજપમાં રહીને ગૌહત્યા અટકાવતા કાયદાના વિરોધમાં નિવેદન આપવું સદાભાઉ ખોતને ભારે પણ પડી શકે છે, કેટલાક ગૌપ્રેમીઓ તેમના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના રાજ્ય એકમે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં ગાયની તસ્કરી અટકાવવા ટૂંક સમયમાં કાયદો બનશે…