MVAમાં સબ-સલામત?: કોંગ્રેસ પ્રદેશપ્રમુખે ઉદ્ધવ ઠાકરે માટે કર્યો મોટો દાવો
મુંબઇઃ લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ મોદી 3.0 કેબિનેટની રચના થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં હવે વિધાન પરિષદની ચૂંટણીઓની ચર્ચા છે, પણ એ પહેલા મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહા વિકાસ અઘાડી (MVA)માં રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ પવારે જેવું કર્યું હતું તેવું જ ઉદ્ધવ ઠાકરેએ હવે વિધાન પરિષદની ચૂંટણીને લઈને કરતા કૉંગ્રેસ નારાજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેએ અન્ય ઘટક પક્ષો સાથએ સલાહ-મસલત કર્યા વિના વિધાન પરિષદની ચારેય બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જેના કારણે કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ વિધાન પરિષદના ઉમેદવારોને પરત ખેંચવાનો સંદેશ આપ્યો છે.
આ પણ વાંચો: …તો MVA અને મહાયુતિ વચ્ચે અંતર શું?: પ્રકાશ આંબેડકરે એમવીએ પર સાધ્યું નિશાન
નાના પટોલેનું કહેવું છે કે સીટોની જાહેરાત કરતા પહેલા મહાવિકાસ અઘાડીમાં ચર્ચા થવી જોઇતી હતી. ઉદ્ધવ ઠાકરેએ મુંબઇથી વિધાન પરિષદ માટે અરજી કરનારા શિવસેના (UBT) ઉમેદવારોને જાળવી રાખવા જોઈએ. કોંકણ સ્નાતક અને નાસિક શિક્ષક ઉમેદવારોને ઉદ્ધવે પાછા લેવા જોઅએ. આ ચારે સીટ પર ચર્ચા કર્યા વિના ઉમેદવાર ઊભા કરવા સામે કૉંગ્રેસમાં નારાજી છે.
નાના પટોલેએ જણાવ્યું હતું કે તેમણે ઉદ્ધવ ઠાકરેને બે સીટ પર ઉમેદવાર ઊભા રાખવા અને બે સીટ પર કૉંગ્રેસનો ઉમેદવાર ઊભો રહે એવી વાત કરી હતી. પટોલેએ કૉંગ્રેસના બે ઉમેદવારોના નામ પણ ઉદ્ધવને જણાવ્યા હતા, પણ ઉદ્ધવે બેઠકોની ફાળવણી પર ચર્ચા કર્યા વિના ચારે બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી દેતા કૉંગ્રેસમાં ભારે નારાજી છે. પટોલેએ એમ પણજણાવ્યું હતું કે તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ તેમનો સંપર્ક થઇ નથી રહ્યો તેથી ઉદ્ધવના મનમાં શું ચાલી રહ્યું છે તેની ખબર નથી.
આ પણ વાંચો: MVAમાં તિરાડઃ કૉંગ્રેસને હાંસિયામાં ધકેલી ઉદ્ધવ અને શરદ પવારે હાથ મિલાવ્યા?
કૉંગ્રેસ વિધાન પરિષદની ચૂંટણી મહાવિકાસ અઘાડી તરીકે સાથે લડવા માગે છે. કોંગ્રેસ કોંકણ ગ્રેજ્યુએટ અને નાસિક સીટો માટે ઇચ્છુક છે, બદલામાં તે મુંબઇની બે સીટ ઉદ્ધવ માટે છોડવા તૈયાર છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ જે રીતે ભૂતકાળની જેમ મનસ્વીપણે ઉમેદવારોની જાહેરાત કરી છે તેના પર કોંગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી છે.