મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું 65 કરોડ રૂપિયાનું કૌભાંડ: બે વચેટિયાની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડની તપાસ કરી રહેલી આર્થિક ગુના શાખાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) મંગળવારે રાતે બે વચેટિયાની ધરપકડ કરી હતી. બંનેની ઓળખ કાંદિવલીના જય અશોક જોશી (49) અને મુંબઈ સેન્ટ્રલ નજીક રહેતા કેતન અરુણ કદમ (50) તરીકે થઇ હતી. બંનેને સ્થાનિક અદાલતમાં હાજર કરતાં તેમને 13 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
આ કૌભાંડ પ્રકરણે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં મુંબઈ મહાપાલિકાના ત્રણ અધિકારી ગણેશ બેન્દ્રે, પ્રશાંત રામગુડે અને તાયશેટ્ટી સહિત 13 જણ સામે ગુનો દાખલ કરાયા બાદ પોલીસની ટીમે કેતન કદમ અને જય જોશીના નિવાસ તથા કાર્યાલય સહિત સાત સ્થળે સર્ચ હાથ ધરી હતી. બાદમાં રાતે બંનેની ધરપકડ કરાઇ હતી.
આ પણ વાંચો: મીઠી નદીની કાયાપલટનો ત્રીજો તબક્કો: ટેન્ડર ડ્રાફ્ટ રજૂ કરાયો
મીઠી નદીમાંથી ગાળ કાઢવાના કામ માટે કેરળ સ્થિત મેટપ્રોપ કંપનીના મલ્ટિપર્પસ એમ્ફિબિયસ પેટૂન અને સિલ્ટ પુશર મશીનો કોન્ટ્રેક્ટરોને ભાડે આપવામાં કેતન કદમ અને જોશીએ વચેટિયાની ભૂમિકા ભજવી હતી.
મેટપ્રોપના દીપક મોહન અને કિશોર મેનને પાલિકાને 3.09 કરોડ રૂપિયાના ખર્ચે મશીનો ઓફર કર્યાં હતાં. પાલિકાના અધિકારીઓની એક ટીમે કેરળમાં પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને બાદમાં બરાબર એ જ સ્પષ્ટીકરણ સાથે ટેન્ડર બહાર પાડ્યા હતા, જેથી કોઇ પણ કોન્ટ્રેક્ટરને મેટપ્રોપના મશીનો ખરીદવા અથવા ભાડે રાખવાની જરૂર પડે. કોન્ટ્રેક્ટર જ્યારે મશીન ખરીદવા માટે મેટપ્રોપ પાસે ગયો ત્યારે તેમણે તેને વચેટિયા કેતન અને જોશી પાસે મોકલ્યો હતો, જેમણે તેને આઠ કરોડ રૂપિયામાં બે વર્ષ માટે મશીન ભાડા પર આપવાની ઓફર કરી અને બાદમાં ચાર કરોડ રૂપિયામાં સમાધાન થયું હતું.
આરોપી કેતન કદમ પાસેથી જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં પાલિકાના વરસાદી પાણીના નિકાલ વિભાગના અધિકારીઓની પોસ્ટિંગના આદેશની નકલ તેમ જ ટેન્ડર સંબંધી ઓરિજિનલ રેકોર્ડની ફોટોકોપી અને અન્ય દસ્તાવેજો મળી આવ્યાં છે. ઉપરાંત મીઠી નદી સંબંધી કામો કરનારા વિવિધ કોન્ટ્રેક્ટરો પાસેથી મળેલી રોકડ રકમની નોંધણીની વિગતો તેમાં છે. આ રૂપિયા કોની પાસેથી અને કેમ મળ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.