આમચી મુંબઈ

મિશન 150 દિવસ : ફડણવીસે મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યો કાર્યક્રમ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સરકારી કર્મચારીઓને સતર્ક રાખી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સેવા વિતરણ અને કાર્યક્ષમતા સુધારવા માટે 100 દિવસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી ફડણવીસે મંગળવારે રાજ્યના તમામ વિભાગો માટે બીજા 150 દિવસના કાર્યક્રમની જાહેરાત કરી.

તેમણે કહ્યું કે આ 150 દિવસનો કાર્યક્રમ મુખ્યત્વે ત્રણ તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરશે – 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત મહારાષ્ટ્ર માટેનો રોડમેપ, સેવાઓની ડિલિવરીની વાત આવે ત્યારે 100 ટકા ઇ-ગવર્નન્સ અને સેવા સંબંધિત વહીવટી સુધારા.

અહિલ્યાનગર ખાતે રાજ્ય કેબિનેટની બેઠકનું આયોજન કર્યા પછી ફડણવીસે આ જાહેરાત કરી હતી.

‘અમે રાજ્યમાં 100 દિવસનો કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. તેના બે ભાગ હતા, એક સરકારી કચેરીઓમાં સુધારો કરવાનો હતો અને બીજો નવી નીતિઓનો અમલ કરવાનો હતો. રાજ્યની કુલ 12,500 રાજ્ય સરકારી કચેરીઓએ સુધારો કરવાના અભિયાનમાં ભાગ લીધો હતો. ઉપરાંત, સરકારના 48 વિભાગોએ 902 નીતિગત નિર્ણયો અમલમાં મૂકવા માટે લીધા હતા. તેમાંથી 706 એટલે કે 78 ટકા પૂર્ણ થયા હતા,’ એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. ‘આજથી, છ મેથી બીજી ઓક્ટોબર સુધી, અમે 150 દિવસના કાર્યક્રમની જાહેરાત કરી રહ્યા છીએ.’

મુખ્ય પ્રધાને 150 દિવસના કાર્યક્રમના મૂળ ઉદ્દેશો રજૂ કર્યા હતા અને વચન આપ્યું હતું કે સાતમી મેના રોજ મહાયુતિ સરકાર 100 દિવસના કાર્યક્રમના અમલ માટે સરકારી અધિકારીઓનું સન્માન કરશે ત્યારે તેને વધુ વિસ્તૃત કરવામાં આવશે.

આ પણ વાંચો નાસિક કુંભ મેળો: મહારાષ્ટ્ર કેબિનેટે યુપીની જેમ ઓથોરિટી સ્થાપવા માટેના કાયદાને મંજૂરી આપી

નવો પડકાર

150 દિવસનો નવો પડકાર, જેના પરિણામો ફડણવીસ બીજી ઓક્ટોબરે જાહેર કરશે, તેમાં વિભાગોને 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત મહારાષ્ટ્ર માટે તબક્કાવાર રોડમેપ બનાવવાની જરૂર પડશે.

પ્રથમ તબક્કા માટે વિભાગોએ 2029 સુધી એક એક્શન પ્લાન તૈયાર કરવાનો રહેશે. બીજા તબક્કા માટે એક્શન પ્લાન 2035ના લક્ષ્ય વર્ષ સાથે હશે અને અંતે ત્રીજા તબક્કામાં વિભાગો 2047 સુધીનો રોડમેપ તૈયાર કરશે.

એકંદરે રાજ્ય સરકારે 2028 સુધીમાં ટ્રિલ્યન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. ‘ત્યારબાદ દરેક વિભાગે ઈ-ગવર્નન્સ સુધારાઓ લાગુ કરવા પડશે. લોકોને 100 ટકા ગવર્નન્સ ઓનલાઈન મળવું જોઈએ. કોઈને પણ સરકારી ઓફિસોમાં શારીરિક રીતે આવવાની જરૂર ન પડે,’ એમ ફડણવીસે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button