આમચી મુંબઈ

બદલાપુરની સ્કૂલમાં ત્રણ વર્ષની બે બાળકી સાથે કુકર્મ

થાણે: કાંદિવલીની શાળામાં શિક્ષકે જ વિદ્યાર્થિનીનો વિનયભંગ કર્યાની ઘટના તાજી છે ત્યાં બદલાપુર પૂર્વમાં આવેલી જાણીતી શાળામાં ત્રણ વર્ષની બે બાળકી સાથે કથિત કુકર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે એફઆઈઆર નોંધવામાં મોડું કરતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો તો પોલીસે શકમંદને તાબામાં લીધો હોવાનો દાવો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ બદલાપુરની શાળાના જુનિયર કેજીમાં ભણતી બે બાળકી સાથે બનેલી કથિત ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો હતો. એક બાળકીએ આ અંગે વાલીઓને જાણ કરી હતી. શાળામાં ‘દાદા’ તરીકે ઓળખાતા વ્યક્તિએ અડપલાં કર્યાં હોવાની ફરિયાદ એક બાળકીએ કરી હતી.

કહેવાય છે કે બાળકીના વડીલોએ એ જ ક્લાસમાં ભણતી બીજી બાળકીઓના વાલીઓ સમક્ષ આ વાત કરી હતી. બીજી બાળકીના વડીલોને શંકા જતાં તેમણે બદલાપુરની હૉસ્પિટલમાં બાળકીની તબીબી તપાસ કરાવી હતી. તપાસમાં બાળકી સાથે દુષ્કર્મની વાતને ડૉક્ટરે સમર્થન આપ્યું હોવાનું કહેવાય છે.

બાળકીના વાલીઓએ શાળાને આ અંગે જાણ કર્યા પછી બદલાપુર પૂર્વ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જોકે પોલીસે ગુનો નોંધવામાં મોડું કરતાં વાલીઓ રોષે ભરાયા હતા. આખરે શુક્રવારની રાતે પોલીસે ગુનો નોંધ્યો હતો.

એક વરિષ્ઠ અધિકારીએ શકમંદને તાબામાં લેવામાં આવ્યો હોઈ તેની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનો દાવો કર્યો હતો. તાબામાં લેવાયેલો શકમંદ શાળાનો સફાઈ કર્મચારી હોવાનું અધિકારીનું કહેવું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button