મીરા રોડમાં મરાઠી ન બોલવા બદલ દુકાનદારની મારપીટ: મનસેના સાત કાર્યકરો વિરુદ્ધ આરોપનામું દાખલ

મુંબઈ: મીરા રોડમાં મરાઠી ન બોલવા બદલ દુકાનદારની મારપીટ કરવામાં આવી હોવાની ઘટના બાદ કાશીમીરા પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના સાત કાર્યકરો વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું અને તમામ સામે પ્રતિબંધાત્મક કાર્યવાહીનો પ્રસ્તાવ મૂક્યો છે.
મીરા રોડમાં જોધપુર સ્વીટ્સના માલિક બાબુલાલ ચૌધરી (48)ની 29 જૂને હિન્દીમાં વાતચીત કરવા બદલ મનસેના કાર્યકરો દ્વારા મારપીટ કરવામાં આવી હતી. ચૌધરીની ફરિયાદ બાદ કાશીમીરા પોલીસે સાત અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તમામને બાદમાં ઓળખી કાઢવામાં આવ્યા હતા અને તેમને નોટિસ પાઠવાઇ હતી.
આપણ વાંચો: મરાઠી ભાષા અને સંસ્કૃતિને દૂર દૂર સુધી ગુંજવા દો: અજિત પવાર…
આરોપીઓની ઓળખ કરણ કંદનગીર, પ્રમોદ નિલેકર, અક્ષય સાળવી, અમોલ પાટીલ, સચિન સાળુંખે, સચિન સેજવાલ અને અવિનાશ શિરસાટ તરીકે થઇ હતી, જેઓ મનસે સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. સાતેય વિરુદ્ધ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેના જણાવ્યા અનુસાર ફરિયાદના ચાર દિવસ બાદ આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. અમે કાંઇ પણ પેન્ડિંગ રાખવા માગતા નહોતા. અમે વેપારીઓને ઝડપી કાર્યવાહીનું વચન આપ્યું હતું. હવે કોર્ટ આગળનાં પગલાં નક્કી કરશે.
ડેપ્યુટી પોલીસ કમિશનર (મીરા રોડ) સમક્ષ આરોપીઓ પાસે બોન્ડ પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા અને એક વર્ષ સુધી તેઓ આવા કૃત્યમાં સામેલ નહીં થાય, એવું વચન તેમની પાસેથી લેવડાવવામાં આવ્યું હતું.