મીરા રોડમાં હત્યાકેસનો ફરાર આરોપી પંજાબથી પકડાયો

મુંબઈ: મીરા રોડ વિસ્તારમાં માથામાં ગોળી મારી શખસની હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપીને ખંડણી વિરોધી શાખાએ પંજાબથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ સચિનકુમાર સાહુ ઉર્ફે રાઠોડ તરીકે થઇ હતી, જેને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને પંજાબથી લવાયો હતો અને વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો હતો.
મીરા રોડમાં 3 જાન્યુઆરીએ રાતે મોહંમદ શમ્સ તબરેઝ અન્સારી તેના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે સચિનકુમાર ત્યાં આવ્યો હતો અને પિસ્તોલમાંથી અન્સારીમાં માથામાં ગોળી મારી ફરાર થઇ ગયો હતો. અન્સારીનું મૃત્યુ થતાં નયાનગર પોલીસે આ પ્રકરણે સચિનકુમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધ આદરી હતી.
મીરા રોડમાં વ્યવસાયને લઇ થયેલા વિવાદમાં આરોપી સૈફઅલી મન્સુરઅલી ખાન, મોહંમદ યુસુફ આલમ અને તબસ્સુમ ઇસ્તેકારના કહેવાથી સચિનકુમારે અન્સારીની હત્યા કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. દરમિયાન સચિનકુમારની શોધ ચલાવી રહેલી ખંડણી વિરોધી શાખાની ટીમને માહિતી મળી હતી કે તે પંજાબ ભાગી છૂટ્યો છે. આથી પોલીસની ટીમ ત્યાં રવાના થઇ હતી અને સ્થાનિક પોલીસની મદદથી તેને ભટિંડાથી પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો મહારાષ્ટ્રમાં એચએસસીનું પરિણામ જાહેરઃ છોકરીઓએ બાજી મારી, જાણો એટુઝેડ