મીરા ભાયંદર માટે ભાજપના મુખ્ય વચનોમાં 100 કોંક્રિટ રસ્તાઓ, 300 બેડની હોસ્પિટલ

થાણે: 100થી વધુ નવા કોંક્રિટ રસ્તાઓનું નિર્માણ, 300 બેડની સિવિલ હોસ્પિટલની સ્થાપના, હવા અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાના પગલાં એ કેટલાક મુખ્ય વચનો છે જેનો ઉલ્લેખ ભાજપે થાણે જિલ્લાના મીરા ભાયંદરના નાગરિકો માટે પાલિકા ચૂંટણી પહેલા તેના ચૂંટણી ઢંઢેરામાં કર્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય ભાજપ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ અને સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ શુક્રવારે એક રેલી દરમિયાન મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની 15 જાન્યુઆરીની ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો.
‘મીરા-ભાયંદરના વિકાસ માટેનો સંકલ્પ’ શીર્ષક ધરાવતા આ ઢંઢેરામાં શહેરને આધુનિક, સલામત અને પર્યાવરણીય રીતે ટકાઉ સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવા માટે એક વ્યાપક રોડમેપની રૂપરેખા આપવામાં આવી છે.
મહાયુતિના બે સાથી પક્ષો – ભાજપ અને શિવસેના – પાલિકાનો નિયંત્રણ મેળવવાની રેસમાં છે.
આ ઢંઢેરામાં ‘ટ્રિપલ એન્જિન’ સરકાર પર ભાર મૂકવામાં આવ્યો છે, જે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના શાસનનો ઉપયોગ કરીને સ્થાનિક વિકાસને વેગ આપશે.
ખાડામુક્ત શહેર સુનિશ્ર્ચિત કરવા માટે 100થી વધુ નવા કોંક્રિટ રસ્તાઓનું નિર્માણ, નવી બસ સેવાઓનો ઉમેરો અને સમર્પિત શેર-એ-રિક્ષા સિસ્ટમ એ કેટલાક વચનો છે જેનો ઉલ્લેખ ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવ્યો છે.
પાર્ટી મુંબઈના મુસાફરીના સમયમાં ભારે ઘટાડો કરવા માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ, દહિસર-ભાયંદર લિંક રોડ અને જેસલ પાર્ક-ઘોડબંદર કોસ્ટલ રોડ પૂર્ણ કરવાનું પણ વચન આપે છે.
તેમણે કહ્યું હતું કે તે સૂર્યા પ્રોજેક્ટ દ્વારા 24 કલાક પાણી પુરવઠો અને 75 એમએલડી પાણી યોજના પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.
પાર્ટીએ કહ્યું કે જો તે પાલિકામાં સત્તામાં આવશે, તો તે 300 બેડની નવી સિવિલ હોસ્પિટલ સ્થાપિત કરશે, હાલની પંડિત ભીમસેન જોશી હોસ્પિટલનું આધુનિકીકરણ કરશે અને વધુ આયુષ્માન ભારત કાર્ડ સેન્ટર ખોલશે.
સ્થાનિક જરૂરિયાતો અનુસાર સુધારેલી ક્લસ્ટર ડેવલપમેન્ટ નીતિનો અમલ અને આધુનિક શૌચાલય અને નિયમિત પાણી પુરવઠા સાથે ઝૂંપડપટ્ટીઓનો પુનર્વિકાસ એ અન્ય વચનો છે.
ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી પેણકરપાડા કચરા પ્રોજેક્ટ રદ કરશે, જૈવવિવિધતા પાર્ક સ્થાપિત કરશે, હવા અને ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ પગલાં લેશે અને મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા માટે હાઇ-ટેક કેમેરા સર્વેલન્સ ટાવર સ્થાપિત કરશે.
મીરા ભાઈંદરમાં 95 સભ્યોની પાલિકાની ચૂંટણી 15 જાન્યુઆરીએ 28 અન્ય પાલિકા સાથે યોજાશે.



