મીરા રોડમાં વૃદ્ધની હત્યા બાદ સોનાની ચેન લૂંટીમૃતદેહને ગટરમાં ફેંકી દીધો: સલૂનવાળો પકડાયો

થાણે: મીરા રોડમાં 75 વર્ષના વૃદ્ધની ગળું દબાવી હત્યા કર્યા બાદ તેની સોનાની ચેન લૂંટી મૃતદેહ ગટરમાં ફેંકીને પુરાવા નષ્ટ કરવા બદલ કાશીમીરા પોલીસે સલૂન ચલાવનારા શખસની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અશફાક ઇશાક શેખ તરીકે થઇ હોઇ તે ઉત્તર પ્રદેશનો વતની છે અને મીરા રોડમાં રહે છે, એમ પોલીસે જણાવ્યું હતું.
મીરા રોડ પૂર્વમાં ગૌરવ ગેલેક્સી ફેઝ-1 ખાતે રહેતા સમીર તાંબેના પિતા વિઠ્ઠલ તાંબે (75) 16 સપ્ટેમ્બરે ગુમ થતાં તેણે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી વિઠ્ઠલ તાંબેની શોધ ચલાવનારી પોલીસ ટીમે તેના ઘર નજીક તથા આસપાસના વિસ્તારમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં 16 સપ્ટેમ્બરે વિઠ્ઠલ તાંબે એમઆઇડીસી રોડ પર સરસ્વતી ઇમારતના ભોંયતળિયે આવેલા સલૂનમાં પ્રવેશતો નજરે પડ્યો હતો. બાદમાં મોડી રાતે તાંબેને એક વ્યક્તિ સલૂનમાંથી બહાર ખેંચીને લાવતી અને ફૂટપાથ પર લઇ જતી ફૂટેજમાં દેખાઇ હતી.
દરમિયાન સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ ટીમ ગુરુવારે ઉપરોક્ત સલૂનમાં પહોંચી હતી અને સલૂન ચલાવનારા અશફાક શેખની પૂછપરછ કરી હતી. અશફાક ઉડાઉ જવાબ આપી રહ્યો હોવાથી પોલીસને તેના પર શંકા ગઇ હતી. આથી તેને તાબામાં લઇને આકરી પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી.
અશફાકે પોલીસને જણાવ્યું હતું કે 16 સપ્ટેમ્બરે બપોરના વૃદ્ધ સલૂનમાં આવીને સરનામું પૂછવા લાગ્યો હતો. તે બાદમાં અંદર થોડા સમય સુધી બેઠો રહ્યો હતો. તેના ગળામાં સોનાની ચેન હોવાથી અને સલૂનમાં કોઇ ગ્રાહક ન હોવાથી તેણે ટોવેલથી વૃદ્ધનું મોઢું દબાવ્યું હતું અને બાદમાં તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. વૃદ્ધની ચેન લૂંટ્યા બાદ મોડી રાતે તેના મૃતદેહને સલૂનથી થોડે દૂર ગટરમાં ફેંકી દીધો હતો.