સગીરાનો અંગત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: યુવક સામે ગુનો

થાણે: વીડિયો કૉલ ચાલુ રાખીને બાથરૂમમાં નાહવાનું નવી મુંબઈની સગીરાને ખાસ્સું ભારે પડ્યું હતું. રેકોર્ડિંગ કરી લીધા પછી યુવકે સગીરા પાસે શારીરિક સંબંધની માગણી કરી હતી. સગીરાએ ઇનકાર કરતાં યુવકે એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
સગીરાની ફરિયાદ બાદ રબાળે એમઆઈડીસી પોલીસે આરોપી મોહમ્મદ કૈફ અકરમ શાહ (19) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપીએ ઈન્સ્ટાગ્રામ વીડિયો કૉલ દ્વારા સગીરાનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ વીડિયો કૉલ ચાલુ હતો ત્યારે જ સગીરા નાહવા ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી આરોપીએ સગીરાનો નાહતી વખતનો વીડિયો બનાવી લીધો હતો. આરોપીએ વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાની પોતાને જાણ નહોતી, એવો આક્ષેપ સગીરાએ ફરિયાદમાં કર્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ હોસ્પિટલમાં મહિલાઓના અંગત વીડિયો વેચવાનું કૌભાંડઃ મહારાષ્ટ્રમાંથી 2 ઝડપાયાં…
ફરિયાદમાં જણાવાયું હતું કે વીડિયો ક્લિપની મદદથી આરોપીએ સગીરાને બ્લૅકમેઈલ કરી હતી અને શારીરિક સંબંધની માગણી કરી હતી. સગીરાએ ઇનકાર કરતાં આરોપીએ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
આ પ્રકરણે સગીરાએ 23 જૂને કરેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો, પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી (આઈટી) ઍક્ટની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. આ પ્રકરણે પોલીસ તપાસ ચાલી રહી હોવાથી બુધવારની મોડી સાંજ સુધી આરોપીની ધરપકડ થઈ નહોતી.
(પીટીઆઈ)