ઘોડબંદર રોડ પર સગીરે ટેમ્પો ચલાવી બે રિક્ષાને અડફેટે લેતાં એકનું મોત
અકસ્માત બાદ ટેમ્પો મેટ્રો માટે ખોદેલા ખાડામાં પડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે નજીક ઘોડબંદર રોડ પર 15 વર્ષના સગીરે પિકઅપ ટેમ્પો આડેધડ ચલાવી બે રિક્ષાને ટક્કર મારતાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક જણ ગંભીર રીતે ઘવાયો હતો. રિક્ષાને અડફેટે લીધા પછી ટેમ્પો મેટ્રો કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં પડ્યો હતો.
કાસારવડવલી પોલીસના જણાવ્યા મુજબ સોમવારના મળસકે અઢી વાગ્યાની આસપાસ ઘોડબંદર રોડ પરના કાંચનગંગા કોમ્પ્લેક્સ સામે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ જિતેન્દ્ર મોહન કાંબળે (31) તરીકે થઈ હતી. આ પ્રકરણે ગુનો નોંધી 15 વર્ષના સગીરને તાબામાં લેવાયો હતો.
મળતી માહિતી અનુસાર સગીર ટેમ્પો ચલાવીને થાણેથી મુંબઈ તરફ આવી રહ્યો હતો. ઘટનાસ્થળ નજીક સગીરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પો રસ્તાને કિનારે પાર્ક બે રિક્ષા સાથે ટકરાયો હતો. પછી ટેમ્પો રસ્તાની બાજુમાં મેટ્રોના કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં પડી ગયો હતો.
આ પણ વાંચો : થાણેના ઉપવન તળાવ પાસે વિઠ્ઠલની પ્રતિમા સ્થાપિત કરાશે: સરનાઈક
અકસ્માતમાં બન્ને રિક્ષામાં બેસેલા કાંબળે અને ગણેશ વિશ્ર્વનાથ વાઘમારે (29)ને ગંભીર ઇજા થઈ હતી. બન્નેને થાણેની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે કાંબળેને મૃત જાહેર કર્યો હતો, જ્યારે વાઘમારેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ઘટનાને પગલે ઘોડબંદર રોડ પરનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. ટ્રાફિક પોલીસે ટોઈંગ વૅનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો રસ્તાથી દૂર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. વાહનો ખસેડ્યા પછી ટ્રાફિક પૂર્વવત્ થયો હતો. આ પ્રકરણે કાસારવડવલી પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે.