સગીરની હત્યા કરી મૃતદેહને ભિવંડીમાં દાટી દીધો: બે યુવકની ધરપકડ

થાણે: ડોમ્બિવલી નજીક 16 વર્ષના સગીરની કથિત હત્યા કર્યા બાદ મૃતદેહને ભિવંડીમાં દાટી દીધો હોવાનું તપાસમાં સામે આવતાં પોલીસે બે યુવકની ધરપકડ કરી હતી.
ભિવંડીની નારપોલી પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ આયુષ વીરેન્દ્ર ઝા અને મનોજ ટોપે તરીકે થઈ હતી. અંદાજે 19 વર્ષના બન્ને આરોપીએ યોગેશ રવિ શર્માની 25 નવેમ્બરે રેતીબંદર વિસ્તારમાં કથિત હત્યા કરી હતી.
નારપોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ભરત કામતે જણાવ્યું હતું કે યોગેશ શર્મા ગુમ થયો હોવાની ફરિયાદ તેની માતાએ નોંધાવ્યા પછી પોલીસે તપાસ હાથ કરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે ઝા અને ટોપેને આરોપી તરીકે ઓળખી કાઢ્યા હતા.
તાબામાં લેવાયેલા બન્ને આરોપીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સગીરની હત્યા કરવામાં આવી હતી. બાદમાં તેના મૃતદેહને ભિવંડીના કાલ્હેર નજીક દાટી દેવામાં આવ્યો હતો. આ પ્રકરણે પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ કાનૂની પ્રક્રિયા પૂરી કરી સગીરના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેના શરીર પર ઇજાનાં નિશાન નજરે પડતાં હતાં. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને હૉસ્પિટલમાં મોકલી દેવાયો હતો. જૂની અદાવતને પગલે સગીરની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. (પીટીઆઈ)