આમચી મુંબઈમહારાષ્ટ્ર

કાનૂની કાર્યવાહી માટે ‘સગીર’ વય મર્યાદા 14 વર્ષ કરવી જોઈએ: અજિત પવાર કેન્દ્ર સરકારને પત્ર લખશે

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે ફોજદારી કેસોમાં ‘સગીર વય’ વ્યાખ્યાયિત કરવા માટેની વર્તમાન કાયદાકીય વય મર્યાદા 18 થી ઘટાડીને 14 વર્ષ કરવી જોઈએ.

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું કે અગાઉ 18 થી 20 વર્ષની વય જૂથને પુખ્ત વય માનવા માટે યોગ્ય ગણવામાં આવતી હતી, પણ હવે જમાનો બદલાઈ ગયો છે. આજના બાળકો વધુ જાગૃત છે. નાના બાળકો હવે એવા પ્રશ્ર્નો પૂછે છે કે જેના વિશે અમે પાંચમા ધોરણ પછી વિચારી પણ નહોતા શકતા.
તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરશે. પવાર પુણે જિલ્લાના બારામતીમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, જે તેમનો વિધાનસભા ક્ષેત્ર પણ છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં બારામતીમાં કથિત રીતે મિત્રની હત્યા કરનાર બે કોલેજના વિદ્યાર્થીઓ 17 વર્ષના હતા. તેમણે કહ્યું કે હાલના ફોજદારી કાયદા હેઠળ, આરોપીની ઉંમર 18 વર્ષથી વધુ હોય ત્યારે જ કડક સજા થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, યોગાનુયોગ, આ વર્ષે મે મહિનામાં પુણેમાં કાર ચલાવતી વખતે બે લોકોને કચડી નાખનાર વ્યક્તિ પણ 17 વર્ષનો હતો, જે એક બિલ્ડરનો પુત્ર હતો.

તેમણે કહ્યું કે, 17 વર્ષના બાળકો સારી રીતે જાણે છે કે તેઓ ગુનો કર્યા પછી પણ કઠોર સજા (તેમની ઉંમરને કારણે)થી બચી શકે છે. એવું પણ જોવા મળ્યું છે કે 15, 16, 17 વર્ષના યુવાનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધુને વધુ સંડોવાયેલા છે. જ્યારે નવા કાયદા ઘડવામાં આવશે ત્યારે અમારે આ ચિંતા કેન્દ્ર સુધી પહોંચાડવી પડશે. પવારે કહ્યું કે તેઓ તેમની આગામી બેઠકમાં ગૃહ પ્રધાન શાહ સાથે આ મુદ્દે ચર્ચા કરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે તેઓ આ અંગે કેન્દ્રને ઔપચારિક પત્ર પણ લખશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ મુદ્દે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે પણ ચર્ચા કરશે. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત