મંત્રાલયમાં નોકરીની લાલચે છેતરપિંડી: નિવૃત્ત સરકારી કર્મચારીના જામીન મંજૂર
મુંબઈ: મંત્રાલયમાં નોકરી અપાવવાની લાલચે નોકરી ઇચ્છુક યુવાનો સાથે દોઢ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે નિવૃત્ત સરકારી કર્મચારીના જામીન મંજૂર કર્યા હતા.
આરોપી સત્યેન ગાયકવાડ છેલ્લા 18 મહિનાથી જેલમાં છે અને આ કેસની તપાસ પૂરી થઈ ગઈ છે. એ સિવાય કથિત કાવતરાની ગૂંચ અને ખટલો ચલાવવા લાગનારા સમયને ધ્યાનમાં રાખી અરજકર્તાના જામીન મંજૂર કરવામાં આવતા હોવાની નોંધ જજ નિઝામુદ્દીન જમાદારની સિંગલ બૅન્ચે કરી હતી.
તપાસકર્તા પક્ષ અનુસાર આ છેતરપિંડીમાં ગાયકવાડના સાથીઓ મહાદેવ શિરવાળે અને નીતિન સાઠે તેમ જ અન્યોની ભૂમિકા છે. મંત્રાલયમાં નોકરી અપાવવાની લાલચે અનેક યુવાનોને છેતરવાનો આરોપ કરાયો હતો. સાઠેના માર્ગદર્શન હેઠળ આરોપીઓના જૂથે ક્લર્ક પદ માટે યુવાનોના ઈન્ટરવ્યૂ પણ લીધા. વળી, કથિત રીતે ચૂંટાયેલા ઉમેદવારોની જે. જે. હૉસ્પિટલમાં તબીબી તપાસની વ્યવસ્થા પણ કરાવી અને તેમને બોગસ એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા, એવી પ્રાથમિક માહિતી પોલીસે અહેવાલમાં આપી હતી. આ પ્રકરણે મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
સરકારી વકીલે ગાયકવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને આ કૌભાંડમાં ગાયકવાડની મહત્ત્વની ભૂમિકા છે. તેને જામીન પર છોડવામાં આવશે તો ખટલા પર અસર થશે, એવી દલીલ કરી હતી.