મંત્રાલયો અને વિભાગોએ વેબસાઇટ્સનું ઓપનિંગ પેજ મરાઠીમાં રાખવાનું ફરજિયાત
સરકારે સાયબર છેતરપિંડી રોકવા અને સુસંગતતા જાળવવા માટે લીધો નિર્ણય

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ફરજિયાત બનાવ્યું છે કે તેના વિભાગો અને મંત્રાલયોની વેબસાઇટ્સનું શરૂઆતનું પેજ એક સમાન ફોર્મેટ અને નામકરણ પ્રોટોકોલ સાથે મરાઠીમાં હોવું જોઈએ. આ પગલું સરકારના આગામી ૧૫૦ દિવસ માટેના કામગીરીના નવા લક્ષ્યાંકોનો એક ભાગ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
“આપણે સાયબર છેતરપિંડી અને ગેરમાર્ગે દોરતી વેબસાઇટ્સના યુગમાં છીએ, તેથી સરકારે આ વલણ અપનાવ્યું છે. બધા મંત્રાલયો અને વિભાગોએ તેમની વેબસાઇટ્સ ચોક્કસ ફોર્મેટમાં વિકસાવવી જોઈએ, જેમાં તેમના સત્તાવાર નામમાં ‘.gov.in’ ડોમેન રાખવાનો સમાવેશ થાય છે. શરૂઆતનું પેજ મરાઠીમાં રહેશે, કારણ કે તે સત્તાવાર રાજ્ય ભાષા છે,” અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આ માહિતી અંગ્રેજીમાં વાંચવાનો વિકલ્પ પણ હશે, અને ઉમેર્યું કે આ નિર્દેશ રાજ્ય સરકાર દ્વારા વિભાગોમાં સુસંગતતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે.
નવી માર્ગદર્શિકા હેઠળ, બધી સરકારી વેબસાઇટ્સ પર મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને રાજ્યપાલના નામ સાથે એક સમાન યુઝર ઇન્ટરફેસ હશે, સાથે સાથે નાગરિક સેવાઓ, માહિતી અધિકાર અધિનિયમ અને ‘આપલે સરકાર’ જેવી વિભાગ-વિશિષ્ટ પહેલ અને સેવાઓ માટેની અગ્રણી લિંક્સ પણ હશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: સમાન ટૂંકા નામનો દુરુપયોગ કરી મિલકત વેચવાનો પ્રયાસ: ગુજરાતના ત્રણ પકડાયા