કરોડપતિ પિતાની દીકરી આઇએએસ બની તો લોકો કેમ રોષે ભરાયા?

મુંબઈ: દુનિયામાં સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક પરીક્ષા માનવામાં આવતી યુપીએસસી(યુનિયન પબ્લિસ સર્વિસ કમિશન)ની પરિક્ષા પાસ કરીને આઇએએસ કે આઇપીએસ બનીને દેશની સેવા કરવાનું સપનું લાખો યુવાનો જોતા હોય છે અને વર્ષો વર્ષ મહેનત કરીને તે સપનું પૂરું કરે છે અને કેટલાક તો પોતાનું જીવન પણ વેડફી નાંખે છે.
એવામાં કરોડપતિ પિતાની દીકરી જેને લેશમાત્ર આર્થિક કે સામાજિક તકલીફ ન હોય તે ઓબીસી શ્રેણીમાં તેમ જ ખોટા સર્ટિફિકેટ દાખવીને આઇએએસની પરિક્ષા પાસ કરી દે તો?
આવો જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે લાખો લોકો દ્વારા અને પ્રશ્ર્નના કેન્દ્રમાં મુકાઇ છે યુપીએસસીનિી પરિક્ષામાં 821મી રેન્ક મેળવનારી પૂજા ખેડેકર નામની ટ્રેની આઇએએસ, જેના પર લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.
પુણેની આસિસ્ટન્ટ કલેક્ટર પૂજા ખેડેકર એક પ્રોબેશનરી(ટ્રેની) આઇએએસ છે અને તેના વિરદ્ધ સવાલ ઉઠવાના સૌપ્રથમ ત્યારે શરૂ થયા જ્યારે તેણે પોતાની પર્સનલ મોંઘીદાટ ઑડી કાર પર લાલ-ભુરી બત્તી અને મહારાષ્ટ્ર શાસન લખેલી પ્લેટ લગાવી.
સવાલ ઉઠાવવા પાછળ એક નહીં, પરંતુ લોકો અનેક કારણ આપી રહ્યા છે. તેમાંનું પહેલું કારણ છે કે 2022ની યુપીએસસીની પરીક્ષામાં પૂજાને 821મી રેન્ક મળી હતી. જ્યારે ઓબીસી શ્રેણીમાં આઇએએસ બનનારા છેલ્લાં છાત્રની રેન્ક 434 હતી, તો પછી પૂજા કઇ રીતે આઇએએસ બની ગઇ.
બીજો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે કે જ્યારે 2019માં પૂજાએ પરીક્ષા જનરલ કેટેગરીમાં આપી અને રેન્ક ન મળી તો પછી તેણે અનેક પ્રકારની દિવ્યાંગતાનો દાવો કર્યો હતો. આ દાવાઓને ‘કેટ’ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા તો પછી તે કઇ રીતે આઇએએસ તરીકે પસંદગી પામી. તેણે પોતે દિવ્યાંગ હોવાનું સર્ટિફિકેટ પણ આપ્યું હતું. જોકે, તેમાં 1,2,3,4,5 કેટેગરીમાંથી તેણે પાંચ નંબરની દિવ્યાંગતા એટલે કે સૌથી ઓછી દિવ્યાંગતાની શ્રેણીનું સર્ટિફિકેટ આપ્યું હતું.
પૂજાએ પોતાની આવકના સ્ત્રોતમાં જણાવ્યું છે કે તે પુણેમાં અહમદનગર જિલ્લામાં તે ચાર જગ્યાએ જમીન ધરાવે છે. 1.93 કરોડ રૂપિયા તેની આવક છે અને તે 42 લાખની આવક પણ ધરાવે છે. પૂજાના પિતા 40 કરોડ રૂપિયાની આવક ધરાવે છે. તો પછી ઓબીસી વર્ગમાં છૂટ મેળવવા માટે આઠ લાખ રૂપિયાની આવકનું સર્ટિફિકેટ તેને ક્યાંથી મળ્યું.
આવા સવાલ પૂછીને લોકો તેની પસંદગી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આને લઇ વિવાદ ચગ્યો છે.