મિલિંદ દેવરા શિંદે જૂથમાં જોડાયા
મુંબઇઃ કૉંગ્રેસના સભ્ય પદેથી રાજીનામુ આપીને પાર્ટીને ઝટકો આપ્યા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા મિલિંદ દેવરા આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા છે. તેમની સાથે મુંબઈ કોંગ્રેસના વિવિધ વિભાગોના પદાધિકારીઓ પણ શિવસેનામાં જોડાયા હતા.
આજે જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશની સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસે મણિપુરથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શરૂ કરી છે, તેવા સમયે મિલિંદ દેવરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી સહુને ચોંકાવી દીધા છે.
હકીકતમાં આજે સવારે જ મિલિંદ દેવરાએ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. મિલિંદ દેવરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, આજે મારી રાજકીય કારકિર્દીનો એક મહત્વનો અધ્યાય પૂરો થયો છે. મેં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કૉંગ્રેસ સાથે મારા પરિવારના 55 વર્ષ જૂના સંબંધનો આજે અંત આવ્યો છે. હું કૉંગ્રેસના બધા જ નેતાઓ, સહકાર્યકરોના વર્ષોથી અતૂટ સમર્થનનો આભાર માનું છું.
કોંગ્રેસમાંથી રાજીનામું પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા રવિવારે શિંદે પક્ષની શિવસેનામાં જોડાયા છે. આ સમયે તેમણે જણાવ્યું હતું કે મારા માટે આજનો દિવસઘણો ભાવનાત્મક છે, કારણ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું કૉંગ્રેસ છોડીશ, પણ આજે હું કૉંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાયો છું.
હકીકતમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથ, એનસીપી (શરદ પવાર) જૂથ અને કૉંગ્રેસની મહાવિકાસ અઘાડી પાર્ટીનું મહારાષ્ટ્રમાં ગઠબંધન છે. લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ મુંબઇની બેઠક પર હંમેશા મિલિંદ દેવરાના પિતા મુરલી દેવરાનો લોકસભાની ચૂંટણી લડ્યા છે. આ બેઠક તેમનો ગઢ ગણાતી હતી.
તેમના બાદ 2004 અને 2009ના લોકસભાની ચૂંટણીમાં મિલિંદ દેવરાએ મુંબઈ દક્ષિણ બેઠક પરથી જીત મેળવી હતી. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ શિવસેના તરફથી આ બેઠક પર અરવિંદ સાવંતને ઊભા રાખવામાં આવ્યા હતા અને તેઓ આ બેઠક જીત્યા હતા. તેથી 2024ની લોકસભાની ચૂંટણીમાં શિવસેના દક્ષિણ મુંબઇની બેઠક પર પોતાનો દાવો જતો કરવા તૈયાર નહોતી, જેને કારણે કૉંગ્રેસના મિલિંદ દેવરા માટે સંકટ ઊભું થયું હતું. દેવરાએ કહ્યું હતું કે સીટ વહેંચણી પર ઔપચારિક વાતચીત હજુ પૂર્ણ થઈ નથી, તેથી કોઈએ દાવો કરવો જોઈએ નહીં.
જોકે, હવે આ મુદ્દે મિલિંદ દેવરાએ કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી છે એમ માનવામાં આવે છે. જોકે, એ પણ શક્યતા છે કે શિંદે શિવસેનામાં સામેલ થયા બાદ પણ કદાચ તેમને દક્ષિણ મુંબઇની લોકભા બેઠક રકથી ઉમેદવારી કરવા ના પણ મળે. જોકે, જૂન મહિનામાં મહારાષ્ટ્રમાંથઈ રાજ્યસભાના સાત સાંસદનો સમયકાળ પૂરો થઇ રહ્યો છે. તેવા સમયે ભાજપ સાથે આવેલું શિંદે જૂથ પણ તેમનો એક સભ્ય રાજ્યસભામાં મોકલી શકે છે. કદાચ આ સીટ મિલિંદ દેવરાને ફાળવવામાં આવી શકે છે.