મ્હાડાનો ફ્લેટ અને રેલવેમાં નોકરીને બહાને રૂ. 34 લાખની છેતરપિંડી: સાત સામે ગુનો
થાણે: મ્હાડાનો ફ્લેટ મેળવી આપવા અને રેલવેમાં નોકરીને બહાને યુવક સાથે રૂ. 34.78 લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે દંપતી સહિત સાત જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જોકે હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.
ડોંબિવલીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા યુવક અને તેની બહેનને આરોપીઓએ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ની ઝૂંપટપટ્ટી પુનર્વસન યોજનમાં ફ્લેટ અપાવવાનું અને તેમના ભત્રીજાને રેલવેમાં નોકરી મેળવી આપવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓમાં દંપતી અને મહિલાનો સમાવેશ હોઇ તેમણે જાન્યુઆરી, 2019થી 2021 દરમિયાન યુવક અને તેની બહેન પાસેથી રૂ. 34.78 લાખ લીધા હતા. જોકે પૈસા ચૂકવ્યા છતાં તેમને ન તો ફ્લેટ મળ્યો હતો, ન તો તેમના ભત્રીજાને નોકરી મળી હતી.
યુવકની ફરિયાદની આધારે કોલસેવાડી પોલીસે જયદીપ લોંઢે, શીતલ સાળવી, તેના પતિ કરણ સાળવી, વિજય તુપે તથા અન્યો વિરુદ્ધ બુધવારે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)