મ્હાડા કોંકણ લોટરી: અરજી કરવાની તારીખ લંબાવી, હવે 12 સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી

મુંબઈઃ કહેવાય છે કે મુંબઈમાં રોટલો મળે, પણ ઓટલો ન મળે. મુંબઈમાં ઘર ખરીદવાનું સ્વપ્ન જોનારા લોકો માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) એ કોંકણ બોર્ડ લોટરી 2025 માટે અરજી કરવાની તારીખ લંબાવી છે. હવે તમે 5,285 ફ્લેટ અને 77 પ્લોટ માટે 12 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકો છો.
થાણે અને વસઈમાં ઘર ખરીદવાની આ એક ઉત્તમ તક છે. અગાઉ છેલ્લી તારીખ 28 ઓગસ્ટ હતી. કોંકણ હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ એ મ્હાડાનું એકમ છે. તેણે બીજી વખત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે.
થાણે શહેર અને જિલ્લામાં અને વસઈ (પાલઘર જિલ્લો) માં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ કુલ 5,285 ફ્લેટ અને 77 રહેણાંક પ્લોટ વેચાણ માટે ઉપલબ્ધ છે. અરજદારો હવે 12 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
આપણ વાંચો: ગુડ ન્યૂઝ: MHADA કોંકણના 5,000થી વધુ ઘર અને પ્લોટ માટે લોટરી જાહેર, અરજીની સંપૂર્ણ વિગતો!
કોંકણ બોર્ડના ચીફ ઓફિસર રેવતી ગાયકરે માહિતી આપી હતી કે કોમ્પ્યુટરાઈઝ્ડ લોટરી ડ્રો 9 ઓક્ટોબર 2025ના રોજ થાણેના ડૉ. કાશીનાથ ઘાણેકર ઓડિટોરિયમ ખાતે યોજાશે. સુધારેલા સમયપત્રક મુજબ, ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર, રાત્રે 11:59 વાગ્યા સુધી છે. બાનાની રકમ 13 સપ્ટેમ્બર, રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન જમા કરાવી શકાશે. વૈકલ્પિક રીતે અરજદારો 15 સપ્ટેમ્બર, રાત્રે 11:59 વાગ્યા સુધી બેંકો દ્વારા RTGS/NEFT દ્વારા પણ ચુકવણી કરી શકે છે.
પાત્રતા અને અરજદાર ચકાસણી પ્રક્રિયા
જે અરજદારો બધા જરૂરી દસ્તાવેજો આપશે અને ચુકવણી કરશે તેમને જ લોટરી માટે પાત્ર ગણવામાં આવશે. લાયક અરજદારોની યાદી 22 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે MHADAની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.
અરજદારો 24 સપ્ટેમ્બર, સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઈન દાવા અને વાંધા સબમિટ કરી શકશે. લાયક અરજદારોની અંતિમ યાદી 7 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યે પ્રકાશિત કરવામાં આવશે, અને સફળ અને પ્રતીક્ષા યાદીવાળા અરજદારોના નામ લોટરીના દિવસે, 9 ઓક્ટોબરના રોજ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
આપણ વાંચો: Good News: મ્હાડા 5 વર્ષમાં બાંધશે 8 લાખ ઘર