ગુડ ન્યૂઝ: MHADA કોંકણના 5,000થી વધુ ઘર અને પ્લોટ માટે લોટરી જાહેર, અરજીની સંપૂર્ણ વિગતો!

મુંબઈઃ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA)ના કોંકણ હાઉસિંગ બોર્ડે થાણે શહેર, થાણે જિલ્લા અને પાલઘર જિલ્લાના વસઈ વિસ્તાર સહિત અન્ય સ્થળોએ કુલ 5,285 ઘર માટે લોટરીની જાહેરાત કરી છે. આ ઉપરાંત, સિંધુદુર્ગ જિલ્લાના ઓરોસ અને કુલગાંવ-બદલાપુર વિસ્તારોમાં કુલ 77 પ્લોટના વેચાણ માટે પણ લોટરીની જાહેરાત કરવામાં આવી છે. આ લોટરી માટે અરજી પ્રક્રિયા આજે બપોરે 1 વાગ્યે ‘ગો-લાઈવ’ કાર્યક્રમ દ્વારા શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મ્હાડાના ઉપપ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવ જયસ્વાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
કેવી રીતે અરજી કરવી?
અરજી પ્રક્રિયા IHLMS 2.0 નામની કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા ચાલશે. આ સિસ્ટમ Android અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે. અરજદારો મ્હાડાની વેબસાઇટ https://housing.mhada.gov.inની મુલાકાત લઈને અરજી કરી શકે છે. વેબસાઇટ પર માર્ગદર્શિકાઓ, વિડિઓઝ, હેલ્પ ફાઇલો અને હેલ્પ સાઇટ્સ પણ ઉપલબ્ધ છે. કોંકણ મંડળના મુખ્ય અધિકારી રેવતી ગાયકરે અરજદારોને અરજી કરતા પહેલા માર્ગદર્શિકા અને સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવાની અપીલ કરી છે, જેથી અરજી પ્રક્રિયામાં કોઈ સમસ્યા ન આવે
યોજનાને પાંચ શ્રેણીમાં વહેંચી છે
કોંકણ મંડળ દ્વારા જાહેર કરાયેલી આ લોટરી યોજનાને કુલ 5 શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. લોટરી ડ્રો (કમ્પ્યુટર પદ્ધતિ)થી 3 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 10 વાગે થાણેના ડૉ. કાશીનાથ ઘાનેકર નાટ્યગૃહ પર કરવામાં આવશે. લોટરીના પરિણામ અરજદારોને SMS, ઈ-મેલ અને મોબાઈલ એપ દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ થશે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ક્યારે છે?
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 13 ઓગસ્ટ 2025 રાત્રે 11:59 વાગ્યા સુધી
- ડિપોઝિટ જમા કરવાની છેલ્લી તારીખ: 14 ઓગસ્ટ 2025 રાત્રે 11:59 વાગ્યા સુધી
- બધા જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરતી અરજીઓની સિસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવશે અને પાત્ર અરજદારોની પ્રારંભિક યાદી 21 ઓગસ્ટ 2025ના સાંજે 6 વાગ્યે MHADAની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.
- દાવા અને વાંધા દાખલ કરવાની છેલ્લી તારીખ: 25 ઓગસ્ટ 2025 સાંજે 6 વાગ્યા સુધીમાં
- અંતિમ પાત્ર યાદી જાહેર કરવામાં આવશે: 1 સપ્ટેમ્બર 2025 સાંજે 6 વાગ્યે
- 20% સર્વસમાવેશક યોજના હેઠળ – 565 ઘરો
- 15% સંકલિત શહેર આવાસ યોજના હેઠળ – 3002 ઘરો
- મ્હાડા કોંકણ મંડળ આવાસ યોજના (છૂટાછવાયા ઘરો) – 1677 ઉપલબ્ધ મકાનો
- 50 ટકા કન્વર્ટિબલ મકાન યોજના હેઠળ – 41 ઘરો
- પ્લોટ વેચાણ યોજના – 77 પ્લોટ