આમચી મુંબઈટોપ ન્યૂઝ

મધ્ય મુંબઈમાં મ્હાડાની ૯૬ ઈમારત અતિ જોખમી જાહેર

રહેવાસીઓને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ચોમાસા દરમ્યાન જર્જરીત બિલ્ડિંગ તૂટી પડવાનું જોખમ વધી જતું હોય છે, તેથી દર વર્ષે મુંબઈ મહાનગરપાલિકા સહિત મ્હાડા દ્વારા મુંબઈની જોખમી ઈમારતોનું સર્વેક્ષણ કરીને અતિજોખમી બિલ્ડિંગોને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવતી હોય છે.

આ વર્ષે મ્હાડાએ જૂની અને તૂટવાને આરે આવેલી સેસ બિલ્ડિંગમાંથી ૯૬ બિલ્ડિંગને અતિ જોખમી જાહેર કરી છે. એટલે કે આ બિલ્ડિંગ અત્યંત જોખમી હાલતમાં હોવાથી તેને તાત્કાલિક ખાલી કરવાની રહેશે.

આપણ વાંચો: શહેરની સૌથી જોખમી ઈમારતો સામે BMCની લાલ આંખ,રહેવાસીઓએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

મ્હાડાએ બહાર પાડેલી યાદીમાં મોટાભાગની બિલ્ડિંગ દક્ષિણ-મધ્ય મુંબઈમાં આવેલી છે, જેમા મુખ્યત્વે બોરા બાઝાર, મોહમ્મદ અલી રોડ અને ફોકલેન્ડ રોડ, મઝગાંવ, ગિરગાંવ, ખેતવાડી અને દાદર અને માટુંગા વિસ્તારનો સમાવેશ થાય છે.

મ્હાડાના મુંબઈ બિલ્ડિંગ રિપેર ઍન્ડ રિક્ધસ્ટ્રકશન બોર્ડ ચોમાસા પહેલા સેસવાળી ઈમારતનો સર્વે કર્યો હતો અને તેમને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરી છે. ૯૬ જોખમી બિલ્િંડગમાં લગબગ ૩,૧૬૨ રહેવાસીઓ અને ભાડૂતો રહે છે.

જોખમી બિલ્ડિંગના લગભગ ૧૮૪ ભાડૂતોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. નોટિસ ફટકારેલા રહેવાસીઓમાંથી ત્રણ કુટુંબને ટ્રાન્ઝિટ કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. તો નોટિસ આપ્યા બાદ પણ ઘર ખાલી નહીં કરનારા ઘરની સંખ્યા ૧૭૬ જેટલી છે.

મ્હાડાએ અતિજોખમી ઈમારતના રહેવાસીઓને સૂચના મુજબ બિલ્ડિંગ ખાલી કરવા માટે સહકાર્ય કરવાની અપીલ કરી છે.

આપણ વાંચો:સંભાળજો! મુંબઈમાં ૧૮૮ અતિજોખમી અને જર્જરિત ઈમારતો

મુંબઈમાં ૧૩૪ જોખમી બિલ્ડિંગ:પાલિકા
ચોમાસા પહેલા સર્વેક્ષણમાં પાલિકાએ મુંબઈમાં ૧૩૪ બિલ્ડિંગ અત્યંત જોખમી હોવાનું જાહેર કર્યું છે. ગયા વર્ષે આ આંકડો ૧૮૮નો હતો. જોખમી બિલ્ડિંગમાંથી ૫૭ બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી છે અને તેેને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. ૭૭ બિલ્ડિંગ હજી લોકોએ ખાલી કરી નથી, તેમાંથી અમુક બિલ્ડિંગના કેસ ચાલી રહ્યા છે.

પાલિકાના સર્વેક્ષણ મુજબ સૌથી જોખમી બિલ્ડિંગ બાન્દ્રા, ખાર અને સાંતાક્રુઝ(પશ્ર્ચિમ) અને ગોરેગામમાં છે જયાં સરેરાશ ૧૫ બિલ્ડિંગો જોખમી છે. ત્યારબાદ જોગેશ્ર્વરી, અંધેરી (પૂર્વ) અને ઘાટકોપરમાં ૧૧-૧૧ બિલ્ડિંગો જોખમી છે.

કટોકટી માટે કંટ્રોલ નંબર
મ્હાડાએ કટોકટીના સમય માટે અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક માટેનો કંટ્રોલ નંબર જાહેર કર્યો છે. ૦૨૨-૨૩૫૩ ૬૯૪૫ અને ૯૩૨૧૬ ૩૭૬૯૯ નંબર પર કટોકટીમાં સંપર્ક કરવો. તો મુંબઈ મહાનગરપાલિકાએ પણ કંટ્રોલ નંબર જાહેર કર્યા છે, જેમાં મદદ માટે ૨૨૬૩૪૭૨૫ /૨૭ નંબર પર સંપર્ક કરી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button